27 March 2017

ગાંધીસ્મૃતિ ફાટકે જિલ્લાનો પ્રથમ ફ્લાયઓવર બનશે


નવસારી જિલ્લામાં પ્રથમ રેલવે ફ્લાયઓવર ઐતિહાસિક ગાંધીસ્મૃતિ ફાટક ઉપર બનશે. 6ઠ્ઠી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રિજનું ખાતમુહૂર્ત કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. કેન્દ્ર સરકારનો ખુબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ રેલવે ફ્રાઈટ કોરિડોરનો છે. આ પ્રોજેકટ અંતર્ગત સરકાર હાલની બે રેલવે લાઈનો સિવાય વધુ બે રેલલાઈનો બનાવવા જઈ રહી છે. આમ રેલવેની કુલ ચાર લાઈનો બનતા રેલવે ટ્રાફિકમાં અનેકગણો વધારો થશે અને રેલવે ફાટકો ખોલવી લગભગ અશક્ય બની જશે. જેને લઈને સરકારે રેલવે ફાટકો ઉપર ફ્લાયઓવર બનાવવાની યોજના જાહેર કરી છે.

36.90 કરોડના ખર્ચે બનનારા ફોરલેન ફ્લાયઓવર
જે અંતર્ગત નવસારી જિલ્લામાં આવેલી અનેક ફાટકો ઉપર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના બની છે. આમ તો જિલ્લામાં અનેક ફ્લાયઓવરની યોજના બની છે પરંતુ સૌથી પહેલો ફલાયઓવર નવસારી નજીકની ગાંધીસ્મૃતિ ફાટક ઉપર બનવાનું કામ શરૂ થશે. આ અંગે મળતી માહિતી મુજબ નવસારી અને વેડછા રેલવે સ્ટેશન વચ્ચેની ગાંધીસ્મૃતિ ફાટક ઉપર અંદાજે 36.90 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ફ્લાયઓવર બનશે. અહીંના ટ્રાફિકના ભારણને જોતા ફોરલેન ફ્લાયઓવર બનાવવાની યોજના બનાવાઈ છે. ફ્લાયઓવર પૂર્વથી પશ્ચિમ કુલ 800 મીટરનો લાંબો અને 17 મીટર પહોળાઈનો બનાવવાનું આયોજન છે.

6 એપ્રિલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવાની તજવીજ
ફ્લાયઓવરની નીચે સર્વિસ રોડ પણ બનશે. આ ફલાયઓવર બનાવવા માટે ટેન્ડરિંગ થઈ ગયું છે અને કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો છે. ફલાયઓવરનું ખાતમુહૂર્ત નજીકમાં જ 6ઠ્ઠી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાવવાની તજવીજ ચાલી રહી છે.  આ અંગે નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ખેરે જણાવ્યું કે ગાંધી સ્મૃતિ રેલવે ફાટક ઉપર ફ્લાયઓવર બનાવવાની કામગીરી રેલવે હસ્તક છે. જોકે આ ફલાયઓવરનુ ખાતમુહૂર્ત 6ઠ્ઠી એપ્રિલે મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે એવી જાણકારી મળી છે.

નવસારી, વિજલપોરના બ્રિજમાં વિલંબ
નવસારી જિલ્લામાં માત્ર ગાંધીસ્મૃતિ રેલવે ફાટક ઉપર જ નહીં અનેક ફાટકો ઉપર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના છે. જેમાં વિજલપોર ફાટક ઉપરથી ફ્લાયઓવર અને નવસારી ફાટક નજીક અંડરબ્રિજ બનાવવાની યોજના છે. જોકે આ બંને બ્રિજ માટેની ડિઝાઈન, પ્લાનિંગ વગેરેનું કામકાજ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. જે હજુ પૂર્ણ ન થતા આ બંને જગ્યાએ બ્રિજ બનાવવાનું કામ હજુ શરૂ કરી શકાયું નથી અને વિલંબ જ થઈ રહ્યો છે.