27 March 2017

હવે શહેરની ડ્રેનેજ સમસ્યાનો ઝડપી નિકાલ થશે


નવસારી પાલિકા દ્વારા ડ્રેનેજ શાખામાં નવીન હાઈ પ્રેશર જેટીંગ મશીન તથા સકશન મશીનનું લોકાર્પણ ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે કરાયું હતું.

નવસારી નગરપાલિકા દ્વારા આશરે રૂ. 37 લાખની કિંમતના હાઈપ્રેશર જેટીંગ મશીન અને સકશન મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ જણાવ્યું હતું કે બંને મશીનો દ્વારા ડ્રેનેજની કામગીરી કરનારા કર્મચારીઓને સરળતા રહેશે. શહેરના લોકોની ખાસ કરીને ડ્રેનેજ, સેનેટરી અને પાણીની રોજિંદી ફરિયાદો રહી છે. ડ્રેનેજની લગતી ફરિયાદોનું મશીનના ઉપયોગથી તાત્કાલિક ધોરણ નિવારણ લાવી શકાશે અને શહેરીજનોને પણ સારી સુવિધા મળી રહેશે.

ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરની મોટાભાગની ડ્રેનેજ લાઈન ખાસ્સી ઉંડાઈ ધરાવે છે. પાલિકાના કર્મચારીઓ ડ્રેનેજની સળિયાથી સફાઈ કરે છે. ભૂતકાળમાં હોનારત ઘટી હતી અને બેએક કર્મચારીઓએ જીવ ગુમાવવો પડ્યો હતો. બંને મશીનોના ઉપયોગથી ડ્રેનેજ ઓવરફલોના પ્રશ્નને હવે સહેલાઈથી નિવારી શકાશે અને ડ્રેનેજની સમસ્યા ત્વરિત ઉકેલાશે. ગાંધીનગરની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની દ્વારા પાલિકાને બંને મશીનો મળ્યા છે, તે આનંદની વાત છે. પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રા, એક્ઝિ. ચેરમેન પ્રેમચંદ લાલવાણી, શાસક પક્ષના નેતા જીગીશ શાહ, ડ્રેનેજ ચેરમેન હિંમતભાઈ પટેલ સહિત ચેરમેનો અને નગરસેવકો સહિત આગેવાનો હાજર રહ્યા હતા.