28 March 2017

નવસારી પાલિકાની બજેટ સભામાં ભારે ધમાલ


નવસારી નગરપાલિકાની સોમવારની ખાસ સામાન્ય સભામાં (બજેટની સભા) ભારે શોરબકોર અને હોહાના દૃશ્યો સર્જાયા હતા. નવસારી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે સોમવારે પાલિકા સભાખંડમાં બોલાવવામાં આવી હતી. સભામાં સને 2017-18ના બજેટ સાથે 40 કામો એજન્ડા ઉપર હતા. સભાની શરૂઆત થતા ઉપસ્થિત પત્રકારોએ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 5મી માર્ચે પાલિકાના પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન જયંતિ ગોપાણીએ પત્રકારો વિરૂદ્ધ કરેલા ઉચ્ચારણો સામે ઉભા રહી અને બાદમાં નીચે બેસી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. પત્રકારોના સમર્થનમાં વિપક્ષી નેતા પ્રમોદ રાઠોડ તથા વિપક્ષી સભ્યોએ ગોપાણી વિરૂદ્ધ પગલાં લેવાની માગ કરી હતી.

પત્રકારો અને ગોપાણી વચ્ચેના ટકરાવની ચર્ચા બાદ વિપક્ષી સભ્યો મેહુલ ટેલર, પિયુષ ઢીમ્મર, પ્રભાબેન વલસાડીયા વગેરેએ ગોપાણીના પાલિકામાં જોહુકમીભર્યા વર્તાવની જોરશોરથી ટીકા કરી હતી. ગોપાણી વિપક્ષી સભ્યોને ગમે તેમ જવાબ આપતા હોવાનું જણાવી ખુલાસા માંગ્યા હતા. વિપક્ષના જોરદાર પ્રહાર સામે શાસક પક્ષ શરૂઆતમાં ઠંડો રહ્યા બાદ શાસક પક્ષમાંથી પણ વિપક્ષ વિરૂદ્ધ શાબ્દિક હુમલા શરૂ થયા હતા. બંને પક્ષો વચ્ચે ભારે શોરબકોર 5થી 10 મિનિટ જારી રહ્યા બાદ અચાનક શાસક પક્ષે એજન્ડા ઉપરના તમામ કામો મંજૂર મંજૂર કહી બહાલી આપી દઈ રાષ્ટ્રગીત ગાઈ સભાને પૂરી થયેલી જાહેર કરી દીધી હતી.

બજેટ સહિત એજન્ડા ઉપરના કામોને ચર્ચા વિના મંજૂર કરાતા વિપક્ષે સભા પૂર્ણ થયા બાદ પણ શાસકો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર જારી રાખ્યો હતો. બજેટની કોપીને વિપક્ષી સભ્યોએ ફાડી નાંખી હતી. બજેટ સભા પૂરી થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે પાલિકાની સભા આજે ભાજપીઓ ચાલવા દેવા માગતા હતા. કોંગ્રેસીઓના સવાલના જવાબ દેવા માટે સભાને ચર્ચા વિના પૂરી કરી દીધી હતી.

કોર્પોરેટરે પણ આરટીઆઈ કરવાની 
સોમવારની નવસારી પાલિકાની ખાસ સભામાં આમ તો કોઈ કામ ઉપર ચર્ચા થઈ હતી પરંતુ સભા ચાલુ થાય ત્યાં વિપક્ષી ઉપનેતા અને જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રભાબેન વલસાડીયાએ નગરપાલિકા તંત્ર દ્વારા તેમના પ્રત્યે કરાતા વર્તનની આપવિતી વર્ણવી હતી. પ્રભાબેને કહ્યું કે તેઓ તેમના વોર્ડના કામ અંગેની માહિતી માંગે તો માહિતી અપાતી નથી. એકથી બીજી જગ્યાએ ખો અપાઈ છે. તો ઠીક અમને કોર્પોરેટરોને માહિતી માટે આરટીઆઈ કરી માહિતી મેળવવાનું કહેવાય છે ? જો આવું હોય તો કોર્પોરેટરનો શું અર્થ ?