28 March 2017

નવસારીમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ ન થાય તો આંદોલન


નવસારી નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં ગુજરાત દલિત પંચાયત પરિષદના સભ્યોએ મહારાજા ગાયકવાડની દુર્લભ તસવીરોની સાફસફાઈ કરીને પાલિકા વહીવટી અધિકારીઓને જો આગામી સમયમાં શહેરમાં મહારાજા ગાયકવાડ, ડો. આંબેડકર સહિત મહાનુભાવોની પ્રતિમા કે તસવીરોની યોગ્ય સફાઈ નહીં થાય તો જેલભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નવસારીમાં ગુજરાત દલિત પંચાયત પરિષદ દ્વારા અગાઉ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી જેની નગરી છે એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઉપરાંત ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા સહિત મહાનુભાવોની પ્રતિમા કે તસવીરોની યોગ્ય જાળવણી કરવામા આવે અને સમયાંતરે તેની સફાઈ કરાય તેવો અનુરોધ કરાયો હતો. તાજેતરમાં સયાજીરાવ ગાયકવાડ સર્કલ પાસેથી દારૂની ખાલી બોટલ (ટીન) સહિત ગંદી સામગ્રીઓ મળી આવતા વિવાદ સર્જાયો હતો. અગાઉ ડો. આંબેડકરની પ્રતિમાનું પણ અવારનવાર અપમાન કરી દલિત સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. બાબતે રજૂઆત કરાઈ હતી. તે વખતે ગુજરાત દલિત પંચાયતની પરિષદના સભ્યોને સીસીટીવી મુકવા અંગે અને યોગ્ય સાફસફાઈ રાખવાની બાયધરી આપવામા આવી હતી પરંતુ તે પછી પણ સાફસફાઈ નહીં થતા ગુજરાત દલિત પંચાયત પરિષદના સભ્યો એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર વગેરે આજે પાલિકામાં ધસી ગયા હતા.

તેમણે મહારાજા ગાયકવાડની દુર્લભ તસવીરો પાલિકાના એક બંધ રૂમમાંથી બહાર કઢાવી હતી અને તેને પાલિકા પ્રમુખના ચેમ્બરમાં લઈ જઈ સાફ કરી હતી અને તસવીરની ગરિમા જળવાય રહે તેવી માગ સાથે તે પાલિકા પ્રમુખના ચેમ્બરમાં યોગ્ય રીતે મુકી હતી. દરમિયાન પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ અને દલિત પંચાયત પરિષદના સભ્યો વચ્ચે ચડભડ થઈ હતી. જોકે પાલિકા દ્વારા સાફસફાઈ રાખવાની ખાતરી અપાતા ગુજરાત દલિત પંચાયત પરિષદના સભ્યોએ પાલિકા કચેરી છોડી હતી.

મહારાજા ગાયકવાડની જન્મજયંતી પણ ભુલાઈ ? 
જેની નગરી છે એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડની 17મી માર્ચે જન્મજયંતી હતી પરંતુ પાલિકા કે વહીવટીતંત્રએ તેનું દુર્લક્ષ સેવ્યું હતું. દિવસે પાલિકા દ્વારા ગાયકવાડની પ્રતિમાની સાફસફાઈ કરાઈ હતી કે તેને પુષ્પહાર પણ કરાયું નહતું. જેના થકી આપણને સંસ્કારી નગરી મળી છે એનું માન જાળવવામાં પણ પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે. 12મી માર્ચે લુન્સીકૂઈથી દાંડી સુધીની અમે યાત્રા કાઢી હતી તે વખતે તેમને જે પુષ્પાહાર કરાયો હતો તેજ સુકાયેલી હાલતમાં આજે પણ જોવા મળ્યો હતો. - એડવોકેટ પરેશભાઈ વાટવેચા, ગુજરાતદલિત પંચાયત પરિષદ, નવસારી