29 March 2017

લોક સૂચનથી પાલિકાએ લુન્સીકૂઇમાં વોક વે બનાવવા રૂ. 1 કરોડ ફાળવ્યા

નવસારી પાલિકાને બજેટ માટે શહેરમાંથી માત્ર બે વ્યક્તિના સૂચનો મળ્યા હતા. જોકે સૂચનો પણ બજેટમાં સમાવાયાની જાણકારી મળી હતી.

નવસારી શહેરનો વધુ સારી રીતે આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ શહેરીજનો પાસેથી બજેટ માટે સૂચનો મંગાવ્યા હતા. લાલવાણીના પગલાંને સૌએ વધાવ્યો હતો. જોકે બજેટ માટે સૂચનો કરવામાં શહેરીજનો પાછળ પડ્યા હતા.

પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકાને 2017-18ના બજેટ બનાવવા માટે માત્ર બે જણાંએ લેખિત સૂચનો કર્યા હતા. જોકે બે સૂચનો પણ સારા હતા અને તેનો બજેટમાં સમાવેશ કરાયાની પણ જાણકારી મળી છે.

એક સૂચન ભિક્ષુક ગૃહ માટેનું હતું. શહેરમાં અનેક ભિક્ષુકો જ્યાંને ત્યાં મુશ્કેલીમાં રહે છે ત્યારે તેને માટે યોગ્ય ભિક્ષુક ગૃહ બનાવવાની રજૂઆત આવી હતી. રજૂઆતને ધ્યાને રાખી પાલિકાએ વારિગૃહ નજીકના પડતર ભિક્ષુક ગૃહનો 50 લાખ રૂપિયાના ખર્ચે મરામત કરાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પાલિકાના મિલકતવેરા, વ્યવસાય વેરાને ઓનલાઇન, કેશકેસ કરવા જણાવ્યું હતું.

લુન્સીકૂઈનો વોકવે સુધારવાની પણ રજૂઆત હતી. જે અંતર્ગત હાલની મેદાનની દિવાલ સુધારી દિવાલની બહાર ઉપરાંત અંદર પણ વોકવે ટીપટોપ બનાવાશે. આ માટે 1 કરોડનું બજેટમાં પ્રાવધાન કરાયું છે.