31 March 2017

નવસારી હાઇવે પર બંધ સિરામિકની દુકાનમાંથી રુ. ૪.૪૮ લાખની ચોરી

નવસારી હાઇવે પર આવેલા ધરતીધન સિરામીકની બંધ દુકાનને આજે વહેલી સવારે ૪ બુકાનીધારી અજાણ્યા ચોરટાઓએ નિશાન બનાવી દુકાનની તિજોરીમાં મુકેલા રોકડા રૃપિયા અને ચાંદીના દાગીના મળી કુલ ૪.૪૮ લાખની ચોરી કરીને ફરાર થયા હતા, પરંતુ, દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરટાઓની કરતુત કેદ થઇ હતી. જેના આધારે પોલીસે ચોરટાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારીના કબીલપોર ગામે સત્યમનગર સોસાયટીમાં રહેતા મનોહરલાલ દેવમલ શાહ નવસારીના કબીલપોર ગામે નેશનલ હાઇવેને અડીને ધરતીધન સિરામીક નામક દુકાન ધરાવે છે. જેમની બંધ દુકાનને આજે વહેલી સવારે ૪ અજાણ્યા બુકાનીધારી ચોરટાઓએ નિશાન બનાવી દુકાનના દાદર ચઢયા હતા અને દુકાનની બારીમાં લાગેલી લોખંડની ગ્રીલને કોઇ તીક્ષ્ણ હથિયારથી કાપીને દુકાનમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ચોરટાઓએ તિજોરીને તોડીને તેમાં મુકેલા ૪.૩૦ લાખ રુપિયા રોકડા અને ૧૮ હજાર રુપિયાની ૫૦૦ ગ્રામ ચાંદીની પાટ મળી કુલ ૪.૪૮ લાખ રુપિયાની ચોરી કરીને ફરાર થયા હતા.

આજે ગુરૃવારે સવારે જ્યારે મનોહરલાલ દુકાને પહોંચ્યા, તો બારીની ગ્રીલ તુટેલી જોઇ તેમને ધ્રાસકો પડતા તરત જ દુકાનમાં જઇ તપાસ કરતા તિજોરી તૂટેલી જોઇ તેેમના હોશ ઉડી ગયા હતા. મનોહરલાલે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની વીડિયો રેર્કોડિંગ જોતા તેમા ૪ ઇસમો મોઢે રૃમાલ બાંધી ચોરીને અંજામ આપતા જોવા મળ્યા હતા. આ બાબતે મનોહરલાલ શાહે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચોરટાઓને ઝબ્બે કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પી.એસ.આઇ. એ. યુ. રોઝે આગળની તપાસ હાથ ધરી છે.