1 March 2017

નવસારીમાં બેંકિંગ કામકાજ ખોરવાયું


સરકારની નીતિઓના વિરોધમાં મંગળવારે નવસારીની મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓના કર્મચારીઓએ હડતાળ પાડતા બેંકિંગ કામકાજ ખોરવાયું હતું.

સરકારની ખાનગીકરણની નીતિ, શ્રમિકો વિરોધના સુધારાઓ ઉપરાંત તાજેતરમાં નોટબંધી પછીના સમયમાં દિવસ-રાત બેંક કર્મચારીઓએ કામ કરવા છતાં તેનું યોગ્ય વળતર આપવામાં આવતા બેંકિંગ કર્મચારીઓ નારાજ થયા છે. પોતાની નારાજગી અંતર્ગત અને સરકારી નીતિનો વિરોધમાં મંગળવારે હડતાળ પાડવાનો નિર્ણય બેંકિંગ કર્મચારીઓએ લીધો હતો. એલાન અંતર્ગત આજે મંગળવારે નવસારીમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, દેનાબેંક, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક સહિતની મહત્તમ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાના કર્મચારીઓ ફરજ ઉપર આવ્યા હતા. કર્મચારીઓની હડતાળને કારણે ઉક્ત તમામ બેંકોનું કામકાજ ખોરવાયું હતું. બેંકોના શટર સવારથી અડધા ખુલેલા યા બંધ જોવા મળ્યા હતા. બેંકિંગ કર્મચારીઓની હડતાળને કારણે રોકડની લેવડદેવડ, ચેકોનું ક્લિયરિંગ અટવાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં ત્રણેક દિવસ જાહેર રજાને કારણે બેકિંગ કામકાજ ઠપ રહ્યા બાદ પુન: એક દિવસ કામકાજ ખોરવાતા લોકોની મુશ્કેલી વધી હતી.

જ્યા પંથકની મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોનું કામકાજ મંગળવારે ઠપ રહ્યું હતું તો અહીંની ખાનગી ક્ષેત્રની તથા સહકાર ક્ષેત્રની અનેક બેંકોમાં કામકાજ ચાલ્યું હતું.

નવસારીમાં બેંકકર્મીઓની હડતાળને કારણે બંધ જોવા મળી રાષ્ટ્રીયકૃત બેંકોની શાખા. તસવીર- રાજેશ રાણા

એટીએમ પણ બંધ હાલતમાં 
નવસારીપંથકમાં જ્યાં મંગળવારે બેંકની શાખાઓમાં કામકાજ થયું ત્યાં એટીએમની હાલત પણ હડતાળ જેવી રહી હતી. આજે પણ શહેરમાં આવેલા મહત્તમ એટીએમ બંધ જોવા મળ્યા હતા. કેટલીક શાખાઓમાં કેશ નથી ના બોર્ડ લાગ્યા હતા. એટીએમ પણ બંધ રહેતા લોકો રોકડ નાણાં મેળવી શક્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નોટબંધી થયા બાદ નવસારીમાં મહત્તમ એટીએમની સેવા ખોરવાઈ હતી, જે આજદિન સુધી હજુ ખોરવાયેલી જોવા મળે છે. હજુય ઘણાં એટીએમ કાર્યરત જોવા મળતા નથી.

ત્રણ દિવસ રજા અને ફરી એક દિવસ બેંક બંધ રહી, ઉપરાંત એટીએમ પણ બંધ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો