1 March 2017

નવસારી RTOમાં એજન્ટોનું રાજ: ઇન્સ્પેક્ટરોના અભાવે ડ્રાઇવિંગ ટેસ્ટ લે છે !


નવસારી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન-વ્યવહાર અધિકારીની કચેરીમાં લાઇસન્સ મેળવવા આવતા ટુ વ્હિલર અને ફોર વ્હિલરના ચાલકો યોગ્ય રીતે વાહન ચલાવી શકે છે, એ માટે આપવી પડતી ડ્રાઇવિંગ ટેસ્ટ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરોના અભાવે એજન્ટો જ લઇ લેતા જણાયા છે. બીજી તરફ આર.ટી.ઓ. કચેરીમાં વાહનચાલકો માટે ડ્રાઇવિંગ માટે ટ્રેક પણ બનીને ત્યાર પડયો છે, પરંતુ ટેક્નિકલ જોડાણના અભાવે તેનો ઉપયોગ થઇ શકતો નથી. જ્યારે લાઇસન્સ માટે વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ બાબતે ઇન્ચાર્જ એ.આર.ટી.ઓ.એ સ્ટાફનો અભાવ હોવાનું ગાણુ ગાઇ જવાબદારીમાંથી છટક્યા હતા.

નેશનલ હાઇ-વે નં. ૮ પર ગણેશ સિસોદ્રા ગામે આવેલી નવસારી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન-વ્યવહાર અધિકારીની કચેરીમાં હાલ એ.આર.ટી.ઓ. નિવૃત્ત થતા તેમની જગ્યાએ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એ. એમ. પરમારને ચાર્જ સોંપાયો છે. જેમની સાથે કચેરીમાં કાર્યરત અન્ય ચાર આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરોમાંથી બે ઇન્સ્પેક્ટરો સ્પીપાની તાલિમમાં ગયા છે, જ્યારે અન્ય બે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરોને રાજ્ય વાહન-વ્યવહાર વિભાગ દ્વારા શામળાજી ડિજિટલ ચેકપોસ્ટ પર હાલ નિયુક્તિ આપવામાં આવી છે. જેના કારણે નવસારી આર.ટી.ઓ. કચેરીમાં આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરોના અભાવે લાઇસન્સ મેળવનારા વાહનચાલકોને રાહત મળી છે. નિયમ અનુસાર ટુ વ્હિલર કે ફોર વ્હિલર વાહન ચલાવવા માટે લેવામાં આવતા લાઇસન્સ માટે ચાલકને યોગ્ય રીતે વાહન ચલાવતા આવડે છે કે નહીં, એની ચકાસણી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરે કરવાની હોય છે. પરંતુ અહીં તો વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ ખુદ આર.ટી.ઓ. એજન્ટો લેતા નજરે ચડયા હતા. કચેરી નજીકના ર્સિવસ રોડ પર સીધા જ અંગ્રેજીમાં આઠડો બનાવ્યા વગર જ વાહનચાલકોને લાઇસન્સ માટે ઓકે હોવાની મંજૂરી મળી જાય એવું જણાયંુ હતંુ. જ્યારે આ બાબત સંદેશના ધ્યાને આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ જ્યાં લેવામાં આવતી હતી ત્યાં જઇને ફોટા પાડતા જ ઘટનાસ્થળે એજન્ટોમાં નાસભાગ મચી ગઇ હતી. જેથી એજન્ટોને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કોઇ સત્તા ન હોવાનું માની શકાય.

નવસારી જિલ્લા એ.આર.ટી.ઓ. કચેરીએ વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે રાજ્ય વાહન-વ્યવહાર વિભાગ દ્વારા માન્ય ટુ વ્હિલર માટે અંગ્રેજીમાં આઠડા સાથેનો અને ફોર વ્હિલર માટે પણ ડ્રાઇવિંગ ટ્રેક લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ ટ્રેક ટેક્નિકલી જોડવાનો બાકી હોય તૈયાર હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થઇ શકતો નથી.

લોકોને અગવડ ના પડે એટલે : ઈન્ચાર્જ RTO
આ બાબતે જ્યારે નવસારી એ.આર.ટી.ઓ. કચેરીના ઇન્ચાર્જ એ.આર.ટી.ઓ. એ. એમ. પરમારને પૂછતા તેમણે ચાર ઇન્સ્પેક્ટરોમાંથી બે શામળાજી ડિજિટલ ચેકપોસ્ટ પર અને બે સ્પીપામાં તાલીમ અર્થે હોવાનું જણાવ્યું હતંુ. સાથે જ લાઇસન્સ માટે આવનારા લોકોમાં ઘણા ગામડેથી આવતા હોવાથી અને સ્ટાફના અભાવે અગવડતા ન પડે એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ એજન્ટ દ્વારા લેવાતી હોવાની કેફિયત જણાવી હતી.