2 March 2017

નવસારીમાં જૂના બ્લોકોનો હિસાબ નથી

નવસારી શહેરમાં જૂના બ્લોકોની જગ્યાએ નવા બ્લોકો નાંખવાની કામગીરીમાં પડતર થયેલા જૂના બ્લોકોનો કોઈ જ ચોક્કસ હિસાબ રખાયો ન હોવાની જાણકારી બહાર આવી છે. વિપક્ષે તો આ જૂના કાઢી નંખાયેલા બ્લોકો વેચાઈ ગયા હોવાનો ખુલ્લો આક્ષેપ જ કરી દીધો છે. નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વરસોમાં સૌથી વધુ કામ જો થયું હોય તો તે બ્લોકપેવિંગનું છે. નગરપાલિકાએ લગભગ આખા શહેરને બ્લોકપેવિંગથી ભરી દીધુ છે. કરોડો રૂપિયાના બ્લોકપેવિંગના કામો થયા છે. હવે જ્યારે શહેરમાં બ્લોકપેવિંગ કરવાની જગ્યા ઓછી રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો અગાઉ નંખાયેલા બ્લોકોને કાઢી નવા રબર મોલ્ડવાળા બ્લોકો નાંખવાનું કામ ચાલે છે. અહીં પ્રશ્ન થાય છે કે મોટી સંખ્યામાં જૂના બ્લોકોને કાઢી નંખાયા તો આ જુના બ્લોકોનું શું કરાયું.

છેલ્લા 15 મહિનામાં નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં બ્લોકપેવિંગના 2.51 કરોડના કામ કરવામાં આવ્યા છે
આ બાબતે તપાસ કરતા જાણકારી મળે છે કે કાઢી નંખાયેલા જૂના બ્લોકોનો ચોક્કસ હિસાબ નથી. આ મુદ્દે હવે પાલિકાનો વિરોધ પક્ષ મેદાનમાં આવ્યો છે. નવસારી નગરપાલિકાના વિપક્ષી સભ્યો પિયુષ ઢીમ્મર અને મેહુલ ટેલરે તો આજે બુધવારે આ મામલે જિલ્લા કલેકટરમાં લેખિત ફરિયાદ કરી દીધી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા 15 મહિનામાં પાલિકા દ્વારા બ્લોકપેવિંગના 2.51 કરોડના કામો કરાયા છે. જેમાં મહત્તમ કામોમાં જૂનાની જગ્યાએ નવા બ્લોકો નંખાયા છે. આ જૂના કાઢી નંખાયેલા બ્લોકોમાં ઘણાં સ્ટોરમાં જમા કરાવાયા નથી અને બારોબાર વેચી દેવામાં આવ્યા છે. વિપક્ષી સભ્યોએ આ મામલે તપાસ કરી કૌભાંડમાં સંડોવાયેલા સામે પગલાં લેવાની માગ કરી દીધી છે.

80 ટકા જૂના બ્લોક છારુ બની ગયા, માત્ર 20 ટકા જ સારા રહ્યા
નવસારી નગરપાલિકાની પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન જયંતિ ગોપાણીએ જણાવ્યું કે જૂના બ્લોકો જે કાઢી નાંખવામાં આવે છે તેમાં માંડ 20 ટકા જ સારા હોય છે જેનો ઉપયોગ કરાય છે. બાકીના 75થી 80 ટકા તો છારુ જ થઈ જાય છે. વિરોધ પક્ષના સભ્યો જે જૂના બ્લોકો બારોબાર વેચી દેવાનો આક્ષેપ કરે છે તે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જ કરે છે.

બ્લોકપેવિંગના કામો કરવામાં પણ વહાલાદવલાની નીતિ આક્ષેપ
નવસારી શહેરમાં મોટા પ્રમાણમાં બ્લોકપેવિંગના કામો કરવામા આવે છે. આ બ્લોકપેવિંગના કામો કરવામાં ધારાધોરણોનો ભંગ થતો હોવાનો આક્ષેપ અવારનવાર થાય છે. વિરોધ પક્ષનો તો આક્ષેપ એ છે કે બ્લોકપેવિંગનું કામ જરૂરિયાત મુજબ કરવાની જગ્યાએ સત્તાપક્ષ વહાલાદવલાની નીતિમાં કરે છે. એ અલગ વાત છે કે શાસક પક્ષ આવા આક્ષેપોનો રદિયો આપે છે.