2 March 2017

નવસારી નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓને બ્રેક આપતા હોબાળો


નવસારી પાલિકાના રોજમદાર કર્મચારીઓને બ્રેક આપવાના મામલે આજે હોબાળો મચી ગયો હતો. રોજમદારોના વિરોધને કારણે હાલ પાલિકાએ બ્રેક આપવાનું મુલતવી રાખ્યું હતું.નવસારી નગરપાલિકામાં  કર્મચારીઓ મોટા પ્રમાણમાં છે. જેમાં તમામ કર્મચારીઓ કાયમી નથી. કેટલાક રોજમદારો તો કેટલાક કરાર આધારિત પણ ભરતી કરાયા છે. મળતી માહિતી મુજબ કેટલીક શાખાઓમાં રોજમદારોને સમયાંતરે થોડા દિવસ માટે બ્રેક આપવામાં આવતો હોય છે. જોકે સેનેટરી જેવા વિભાગમાં બ્રેક અપાતો ન હતો.

વિરોધને કારણે નોકરીમાં બ્રેકનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો
હાલમાં પાલિકાએ સફાઈકર્મીને પણ બ્રેક આપતા હોબાળો મચી ગયો હતો. સફાઈ વિભાગના રોજમદાર કર્મચારી સવારથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. પાલિકા પટાંગણમાં ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. રોજમદારોની હડતાળને કારણે સફાઈની કામગીરી અટવાઈ જવાની દહેશત ઉભી થતા પાલિકા તંત્ર દબાણમાં આવી ગયું હતું. રવિવારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની પણ મુલાકાત હોઈ પાલિકાને નવો વિવાદ પાલવે એમ ન હતો. જેથી પાલિકાએ હાલ તુરંત રોજમદારોનો બ્રેકનો નિર્ણય મુલતવી રાખવાની ફરજ પડી હતી.