5 March 2017

નવસારીમાં ફાયર સ્ટેશન વધ્યાં, સ્ટાફ નહીં


નવસારી શહેરમાં એકમાંથી ત્રણ ફાયર સ્ટેશનો થઈ રહ્યા છે ત્યારે ફાયર સ્ટેશનો વધવા છતાં હજુ સ્ટાફ નહીં વધારાયાની જાણકારી બહાર આવી છે. નવસારી શહેરમાં પાલિકા હસ્તકનું એકમાત્ર ફાયરસ્ટેશન રોટરી આઈ હોસ્પિટલની બાજુમાં દુધિયા તળાવ વિસ્તારમાં વર્ષોથી છે. ઘણાં સમયથી નવુ ફાયર સ્ટેશન બનાવવાની વાત થઈ રહી હતી. અંતે સાંઢકૂવા વિસ્તારમાં આવેલી ફાયર સ્ટેશન માટેની ટીપીની રિઝર્વ જગ્યામાં નવુ ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નવુ ફાયર સ્ટેશન બની ગયું છે.

રામજી મંદિર બાદ સાંઢકૂવામાં આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ
આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ જલાલપોર ખાતે પણ નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પાલિકામાં ફાયર સ્ટેશનોની સંખ્યા તો એકમાંથી ત્રણ થઈ ગઈ છે પરંતુ શું સ્ટાફમાં વધારો કરાયો છે.  મળતી માહિતી મુજબ નવસારી ફાયર સ્ટેશનમાં કુલ 14 વાહનો છે. જેમાં 2 વોટર બ્રાઉઝર, 1 ફોર્મ ટેન્ડર, 2 મિની ફાયર ફાયટર, 2 ટેન્કર, 2 શબવાહિની, 1 એમ્બ્યુલન્સ, 4 વહીવટી વાહન, 3 બૂલેટનો સમાવેશ થાય છે. આ વાહનોની સામે હાલ સ્ટાફ 44નો છે, જેમાં 13 કાયમી કર્મચારીઓ અને 31 રોજમદારોનો સમાવેશ થાય છે. ત્રણ શિફટમાં કર્મચારીઓ હોય છે ત્યારે એક-એક શિફટમાં 15-15 કર્મચારી કાર્યરત રહી શકે છે. એક ફાયરની ગાડી ઉપર 7 જણાંની જરૂર હોય છે. આ સ્થિતિમાં મોટી આગ લાગવાના સમયે કર્મચારીઓની ખેંચ વર્તાય છે. છેલ્લા કેટલાક સમયમાં સાધનો વધ્યા છે અને હવે ફાયર સ્ટેશનો પણ વધ્યા છે ત્યારે સ્ટાફની ખેંચ વર્તાવાની પૂરી શક્યતા છે. હાલ અંદાજે 20 જણાંની ઘટ હોવાની જાણકારી મળી છે. શું નવા ફાયર સ્ટેશનો બનવાની સાથે સ્ટાફ પણ વધશે .

હાલ જલાલપોરમાં લોકાર્પણ નહીં
નવસારીમાં સાંઢકૂવા વિસ્તાર ઉપરાંત જલાલપોર વિસ્તારમાં પણ નવુ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જોકે રવિવારે માત્ર સાંઢકૂવા સ્ટેશનનું જ લોકાર્પણ થઈ રહ્યું છે. જલાલપોર વિસ્તારમાં બનેલા ફાયર સ્ટેશનમાં થોડુ કામ બાકી હોવાનું કહેવાય છે. જેથી રવિવારે તેનું લોકાર્પણ થશે નહીં !

જરૂરિયાત મુજબ સ્ટાફ વધી શકે છે
નવસારી પાલિકાની ફાયર સમિતિના ચેરમેન છાયાબેન દેસાઈએ જણાવ્યું કે હાલ જ નવા ફાયર સ્ટેશનો બન્યા છે. આ નવા ફાયર સ્ટેશનો અંતર્ગત જરૂરિયાત મુજબ સ્ટાફ વધારવાની તજવીજ હાથ ધરાશે.