7 March 2017

નવસારી પાલિકાની બાંધકામ કમિટીના ચેરમેન સામે હવે કાર્યવાહીની શક્યતા

નવસારીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં પત્રકારો માટે વાણીવિલાસ કરનારા નવસારી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સામે શહેર ભાજપ દ્વારા પગલાં લેવાય તેવી શક્યતા પ્રબળ બની છે.

રવિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવસારીના રૂ. 8.58 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રસંગે ટાટા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવસારી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જયંતિભાઈ ગોપાણીએ પત્રકારોને નિશાન બનાવ્યા હતા. તેમણે જાહેરમાં પત્રકારોને તૂટેલા તંબુરાના તાર ગણાવ્યા હતા. વાણીવિલાસ કરતા પત્રકારોએ સખત વિરોધ ઉઠાવી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ના.મુખ્યમંત્રીએ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી. જેના પગલે શહેર ભાજપ દ્વારા આગામી દિવસોમાં વાણીવિલાસ કરનારા જયંતિભાઈ ગોપાણી સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. સંદર્ભે નવસારી શહેર ભાજપના પ્રમુખ રમેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે ભાજપ મોવડી મંડળે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. જેના પગલે આગામી દિવસોમાં ઘટના સંદર્ભે જયંતિભાઈ ગોપાણી સામે કાર્યવાહી કરાશે. તે માટે શહેર ભાજપની મિટિંગનું પણ આયોજન કરાયું છે.

વર્ષ 2007માં જયંતિભાઈને બ્લેકલિસ્ટ કરાયા હતા 
નવસારીપાલિકામાં અગાઉ કોન્ટ્રાકટરનું કામ કરનારા જયંતિભાઈ ગોપાણીને અંદાજિત વર્ષ 2007માં નવસારી પાલિકાની તે સમયની બોડીએ બ્લોકપેવિંગની કામગીરીને કારણે બ્લેકલિસ્ટ કર્યા હતા. વિધિની વક્રતા જોતા આજે જે પાલિકાએ તેમને બ્લેકલિસ્ટ કર્યા હતા. તે પાલિકામાં મહત્ત્વપૂર્ણ મનાતા બાંધકામ સમિતિના ચેરમેનના હોદ્દા પર છે.