9 March 2017

5 કરોડની ખંડણી પ્રકરણનો રેલો મુંબઇ સુધી પહોંચ્યો


નવસારીમાં લાલવાણી બંધુઓ પાસે રૂ.5 કરોડની ખંડણી પ્રકરણનો રેલો મુંબઇ સુધી પહોંચ્યો છે. નવસારી એલસીબીની ટીમે આ પ્રકરણમાં સંડોવાયેલા મુંબઇના અખ્તર મરચન્ટને ઝડપી પાડી તેના 14 દિવસનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નવસારીનાં ડિવાયએસપી બી.એસ.મોરી અને એલસીબી પીઆઇ ડી.એન.પટેલે ખંડણી પ્રકરણમાં માહિતી આપી આપી હતી.  નવસારીમાં સિંધી કેમ્પ વિસ્તારમાં રહેતા જાણીતા વેપારી અને નવસારી નગરપાલિકાનાં એઝીક્યુટીવ ચેરમેન પ્રેમચંદ લાલવાણી તથા તેના ભાઇ શંકર લાલવાણી પાસે રૂ.અઢી અઢી કરોડ મળી કુલ રૂપિયા 5 કરોડની ખંડણી મુંબઇનાં નામચીન રવિ પુજારીનાં નામે ફોન કરીને માંગણી કરી હતી, જેમાં આ લાલવાણી બંધુનાં મિત્ર હોરમઝ ફિરોઝ અવારીને પણ ઉપરોક્ત નામધારી શખ્સે વચ્ચે પડી આ ખંડણીની રકમ મેળવી લઇ રવિ પુજારી સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

એલસીબીએ મુંબઇના અખ્તર મરચન્ટને ઝડપી ગેંગસ્ટર રવિ પુજારીની સંડોવણી અંગેની તપાસ વેગવાન બનાવી
હોરમઝ અવારીએ આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ નવસારી એલસીબી પી આઇ ડી.એન.પટેલે હાથ ધરી હતી.એલસીબીની ટીમે રવિ પુજારીનાં નામે ખંડણી માંગનાર નવસારીનાં કેયુર ઉર્ફે કાનજી દેસાઇ તથા નરેશ આહીરની ધરપકડ કરી હતી.આ પ્રકરણમાં કેયુર ઉર્ફે કાનજીએ રવિ પુજારીનો માણસ હોવાનું અને તેના માટે કામ કરતો હોવાનું અને તેમના માટે જ રૂ.5 કરોડની ખંડણીની રકમ મેળવવાની કોશિશ કરી હતી.દરમિયાન કેયુર અને નરેશનું રવિ પુજારી સાથે મુંબઇ કનેકશન છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં નવસારી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઇમાં સેક્યુરીટી એજન્સીનાં વ્યવસાય સાથે સંકળાયેલા અખ્તર કાસમઅલી મરચન્ટ (રહે.કિંગસ્ટન્ટ ટાવર અગ્રવાલ સ્ટેટ,વસઇ,વેસ્ટ,મુંબઇ મહારાષ્ટ્ર)ની અટક કરી હતી.

ખંડણી કેસમાં નરેશ આહિરે નવસારીનાં હોરમઝ અવારી અને લાલવાણી બંધુઓની અખ્તર મરચન્ટને ટીપ આપી હતી.એ માટે યોગ્ય રીતે કામ કરી શકે તેવા માણસની જરૂરિયાત જણાતા નરેશ આહીરે કેયુર ઉર્ફે કાનજીનું નામ અખ્તર મરચન્ટને આપ્યું હતું, જેના પગલે કેયુર ખંડણી પ્રકરણમાં સડોવાયો હતો. અખ્તર મરચન્ટે કોના ઇશારાથી અને કોના કહેવાથી આ ખંડણી માંગી છે તે અંગે પોલીસે પુછતાછ હાથ ધરી છે.તે માટે નવસારી એલસીબીએ આરોપી અખ્તર મરચન્ટનાં 14 દિવસનાં રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

જમીન લે-વેચનાં કારણે નરેશનો કોન્ટેક્ટ અખ્તર મરચન્ટ સાથે થયો
નવસારીમાં રહેતો અને ખંડણી કેસમાં સંડોવાયેલો નરેશ આહીર જમીન લે-વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલો હતો.જેના પગલે મુંબઇનાં અખ્તર મરચન્ટ સાથે તેનો ભેટો થયો હતો.અંદાજીત અઢી વર્ષ પહેલા જમીન લે વેચનાં સંદર્ભે મુંબઇ ખાતે નરેશની અખ્તર મરચન્ટ સાથે મુલાકાત થયા બાદ તેઓ એકબીજાનાં કોન્ટેકમાં હતા.જેના પગલે અખ્તર મરચન્ટે નરેશને નવસારીનાં પ્રેમચંદ લાલવાણી અંગે પુછતાછ કરી હતી અને નરેશે તેને કેટલીક માહિતી પુરી પાડી હતી.