11 March 2017

નવસારી જિ. પંચાયતનું 976 કરોડનું બજેટ મંજૂર

નવસારી જિલ્લાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયતનું 976 કરોડ રૂપિયાનું માતબર બજેટ ચર્ચા વિના આજે શુક્રવારે મંજૂર કરી દેવાયું હતું.

નવસારી જિલ્લાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નવસારી જિલ્લાપંચાયત ગણાય છે. આજે શુક્રવારે મળેલી નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિ.પં.નું બજેટ પ્રમુખ દિનેશભાઈ પટેલે રજુ કર્યું હતું. કુલ 976 કરોડ રૂપિયાના માતબર બજેટની કોપી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સભ્યોને આપવામાં આવી હતી. બજેટ રજૂ કર્યા બાદ પ્રમુખ દિનેશ પટેલે બજેટ ઉપર ચર્ચા કરવા જણાવ્યું હતું. જોકે વિપક્ષી કોંગ્રેસી સભ્ય અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું કે સભા ટાણે બજેટની કોપી અપાય છે ત્યારે અભ્યાસ વિના કઈ રીતે ચર્ચા કરીએ ! કોપી અગાઉ અપાઈ હોત તો ચર્ચા કરી શકીએ એમ જણાવ્યું હતું. અંતે માતબર બજેટ ઉપર કોઈપણ ચર્ચા કર્યા વિના બજેટને સર્વાનુમતે મંજૂર કરી દેવાયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે આજે રજૂ કરાયેલા બજેટનું કુલ કદ 976 કરોડ રખાયું છે. જેમાં સૌથી વધુ સરકારી પ્રવૃત્તિના 931 કરોડ રૂપિયા અંદાજાય છે. ઉપરાંત સ્વકીય ભંડોળના રૂ. 14.89 કરોડ તથા દેવા વિભાગના રૂ. 30.02 કરોડ દર્શાવાયા છે. આગામી વર્ષ 2017-18નું જ્યાં બજેટ 976 કરોડનું મંજૂર કરાયું હતું ત્યાં 2016-17નું સુધારેલુ રૂ. 823 કરોડનું બજેટ પણ મંજૂર કરાયું હતું. 2016-17 કરતા આગામી વર્ષના બજેટનુ કદ 17 ટકા વધુ અંદાજવામાં આવ્યું છે.

પ્રા. શિક્ષણ પાછળ 328 કરોડ 
નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે બજેટ રજૂ થયું તેમાં સૌથી વધુ રકમ સરકારી પ્રવૃત્તિ, સરકારી અનુદાનની રકમ રૂ. 931 કરોડની છે. રકમમાં પણ સૌથી વધુ રકમનો ખર્ચ પ્રાથમિક શિક્ષણમાં થનાર છે. પ્રાથમિક શિક્ષણ પાછળ આગામી વર્ષમાં રૂ. 328 કરોડ ફાળવાયા છે. પ્રાથમિક શિક્ષણ ઉપરાંત રસ્તા, પુલો પાછળ રૂ. 161 કરોડ ફાળવાયા છે. આરોગ્ય, ખેતીવાડી, સિંચાઈ, પશુપાલન વગેરે પાછળ પણ નોંધનીય રકમ ફાળવાઈ છે.
 
સ્વભંડોળ બજેટ 1.5% 
જિલ્લાપંચાયતના બજેટમાં પોતાની આવક સ્વભંડોળની આવક ગણાય છે. સ્વભંડોળની આવકનુ આયોજન ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. જોકે સ્વભંડોળની આવક ઘટતી રહી છે. આગામી 2017-18ની સ્વભંડોળનું બજેટ માત્ર 14.89 કરોડ અંદાજાયુ છે. જે જિલ્લા પંચાયતના કુલ બજેટના માંડ 1.43 ટકા કહી શકાય !