1 April 2017

વિજલપોર પાલિકાના 118 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી


વિજલપોર પાલિકાના ઈતિહાસનું સૌથી મોટુ તોતિંગ 118 કરોડના બજેટને આજે શુક્રવારે પાલિકાની સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. સભામાં જોકે બજેટ ઉપર કોઈ ખાસ ચર્ચા થઈ ન હતી.

પાલિકાના ઈતિહાસમાં સૌથી મોટા અંદાજપત્ર ઉપર ખાસ ચર્ચા નહીં
વિજલપોર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે શુક્રવારે પાલિકા સભાખંડમાં મળી હતી. સભામાં કારોબારી સમિતિના ચેરમેન બિમલેશ શર્માએ આગામી 2017-18ના વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. પાલિકાના ઈતિહાસમાં સૌથી મોટા કદનું 118 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી બજેટમાં જણાવેલા કેટલાક મહત્ત્વના કામો ઉપર બિમલેશ શર્માએ પ્રકાશ પાડ્યો હતો. શર્માએ જણાવ્યું કે વિજલપોર નગરપાલિકા હવે દેવામુક્ત થઈ ગઈ છે. આગામી બજેટમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ડિવાઈડર બનાવી લાઈટ મુકવામાં આવશે. શહેરમાં 6 જગ્યાએ ફુવારાઓનું નિર્માણ કરાશે.

રિંગરોડનું કામ પૂર્ણ કરાશે. આશાપુરી નજીકની ખુલ્લી જગ્યાએ માર્ગ પહોળો કરી વોક વે બનાવાશે. પાલિકાએ કેટલીક જગ્યાએ કચરાપેટીઓ ઉઠાવી સફાઈ અંગે ઉઠાવેલા પગલાની પ્રશંસા કરી હતી. ખાસ સામાન્ય સભામાં વિજલપોર નગરપાલિકાના પ્રમુખ હેમાબેન ભંડારીએ આગામી વર્ષનું બજેટ વેરા વધારા વિનાનું હોઈ તેની પ્રશંસા કરી હતી. ખાસ સામાન્ય સભામાં બજેટ ઉપર કોઈ મહત્ત્વની ચર્ચા થઈ નહતી અને 10-15 મિનિટમાં જ બજેટને સર્વાનુમતે મંજૂર કરી દેવાયું હતું. શાસક યા વિપક્ષી સભ્યએ બજેટ ઉપર ચર્ચામાં ભાગ લીધો ન હતો.