3 April 2017

નવસારીના નગરજનોને નવો અદ્યતન રંગવિહાર મળશે


નવસારી શહેરને નજીકના સમયમાં જૂના રંગવિહારની જગ્યાએ નવું અદ્યતન રંગવિહાર (ઓપન ઓડિટોરિયમ) મળશે. નવા ઓપન ઓડિટોરિયમનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયાની જાણકારી મળી છે.

નવસારી શહેરમાં અગાઉ પાલિકા હસ્તકનો રંગવિહાર દુધિયા તળાવ વિસ્તારમાં શાકમાર્કેટ નજીક હતો. રંગવિહાર વરસો સુધી લોકોનું મનોરંજન કર્યું હતું. રંગવિહાર જૂનો થઈ જતા પાલિકાના સત્તાધીશોએ રંગવિહારની જગ્યાએ નવો રંગવિહાર યા અદ્યતન ઓપન ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો. આજથી આશરે એક વર્ષ અગાઉ નવા ઓપન ઓડિટોરિયમનું કામ શરૂ થયું હતું, જે હવે મહત્તમ કામ પૂર્ણ થઈ ગયું છે. પાલિકાએ બનાવેલો નવો રંગવિહાર અગાઉના રંગવિહાર કરતા વધુ આધુનિક, સુવિધાસજ્જ હશે.

નવા ઓપન ઓડિટોરિયમના બાંધકામનું કામ કરતા રાધિકા એન્ટરપ્રાઈઝના વિનોદ પટેલે જણાવ્યું કે નવો ઓપન ઓડિટોરિયમ અદ્યતન અને સુવિધાસજ્જ હશે. અહીં પ્રેક્ષકો માટે વેઈટિંગરૂમ હશે. દિવ્યાંગો માટે સ્લોપિંગ પણ છે. ઓડિટોરિયમના દરેક સિટિંગ ઉપર સાઉન્ડ સિસ્ટમ છે. અદ્યતન ડોલ્બી સિસ્ટમ મુકવામાં આવી રહી છે. ઓડિટોરિયમના નીચેના બેઝમેન્ટમાં સ્ટોરની કેપેસિટી પણ છે. હવે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઓડિટોરિયમમાં પ્રેક્ષકો વ્યવસ્થિત મનોરંજન માણે તે માટે ધ્યાન રખાયું છે. ઓડિટોરિયમના કન્સ્ટ્રકશનનું કામ 80થી 90 ટકા પૂર્ણ થયું છે. ઈન્ટીરિયર બાકી છે.

નવસારી પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે નવો ઓડિટોરિયમ આમ તો ખુલ્લો (ઓપન) છે પરંતુ તેની ડિઝાઈન ભવિષ્યમાં બંધ કરી શકાય તે માટેની બનાવી છે. અંદાજે ખર્ચ 2.80 કરોડ રૂપિયાનો થશે. માટેના નાણાં સરકારની યુડીપી-77 અને યુડીપી-88 હેઠળની ગ્રાંટમાંથી મળ્યા છે.

વર્ષો સુધી રંગવિહાર પડતર રહ્યો 
નવસારીમાં પાલિકા સંચાલિત રંગવિહાર છેલ્લા કેટલાય વર્ષોથી પડતર હતો.આ રંગવિહારમાં કોઈપણ મનોરંજનના કાર્યક્રમો થતા હતા. જર્જરિત થઈ ગયેલો રંગવિહાર કેટલેક અંશે ગોડાઉન બન્યો હતો. પાલિકાના માલસામાન પણ ત્યાં રહેતા હતા. પાલિકાની યોજનામાં કામ કરાત મજૂરો માટે રંગવિહાર આશરો બન્યું હતું અને ત્યાં મજૂરો રાત્રિ વિતાવતા હતા. જર્જરિત રંગવિહારની મરામત પણ શક્ય હોવાથી પાલિકાએ નવો ઓપન ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો.