4 April 2017

ઢોર પકડવામાં ભય અનુભવતાં પાલિકા કર્મચારી


નવસારીમાં હાલ રખડતા ઢોરોની સમસ્યા માર્ગો ઉપર વધી છે ત્યારે ગૌહત્યાના નવા કાયદાને લઈને ઢોરોને પકડવા પાલિકા અવઢવમાં મુકાઈ ગઈ છે.

નવસારીમાં અગાઉ રખડતા ઢોરોની સમસ્યા મહદઅંશે ચોમાસાની મોસમમાં વધુ પડતી જોવા મળતી હતી. જોકે હવે આખાય વર્ષ દરમિયાન સમસ્યા જોવા મળે છે. હાલ ઉનાળાની મોસમ ચાલી રહી છે. બળબળતી ગરમી પણ પડી રહી છે ત્યારે પણ રખડતા ઢોરોની સમસ્યા નવસારી શહેરમાં જોવા મળી છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો ઉપર પણ રખડતા ઢોરના સમૂહ જોવા મળી રહ્યા છે. માર્ગો ઉપર ઢોરને કારણે ટ્રાફિક પણ અવરોધાતો જોવા મળે છે. શહેરમાં રખડતા ઢોરો માર્ગો ઉપર હોવા છતાં અહીની નવસારી પાલિકા (યા નજીકની વિજલપોર પાલિકા) રખડતા ઢોરોને પકડતી નથી. એમાંય હાલમાં ગૌહત્યાના કેસમાં આજીવન કેદની સજાનો ખરડો વિધાનસભામાં પસાર કર્યા બાદ પાલિકામાં અવઢવ પેદા થઈ રહી હોવાની જાણકારી મળી છે. નવસારી પાલિકામાં તો આ રખડતા ઢોતોને ઝબ્બે કરવાની કામગીરી જે કર્મચારીઓને સોંપાતી હતી તેઓએ પોતાના સાહેબોને રખડતા ઢોર પકડવાની ના પણ પાડી દીધી છે.

હવે એવો ભય ફેલાઈ રહ્યો છે કે ઢોરોને પકડવાની ખેંચાખેંચમાં ઢોર મૃત્યુ પામે તો આ કેસમાં ઢોરના મૃત્ય્યુની જવાબદારી કોની? ઢોર પકડનારાઓને પણ હાલ તો સરકારના કડક કાયદાનો ભય સતાવી રહ્યો છે. નવસારી નગરપાલિકા જ નહીં નજીકની વિજલ્પોરે પાલિકામાં પણ આ સ્થિતિ છે. ઉચ્ચ સત્તાધિશો હાલ આ મુદ્દે બોલવા તૈયાર નથી.

વિજલપોરમાં કર્મચારીઓને કડવો અનુભવ
રખડતા ઢોરોને પકડવાની કામગીરીમાં કડવો અનુભવ કર્મચારીઓને અવારનવાર થયો છે. કેટલાક જીવદયાપ્રેમીઓની નારાજગીનો ભોગ પણ કર્મચારીઓ બન્યા છે. વિજલપોર શહેરમાં તો કર્મચારીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લેવી પડી હતી. આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ ઢોર પકડતા વિજલપોરમાં એક આખલાનું મોત નીપજ્યું હતું. જે સંદર્ભે પોલીસમાં ફરિયાદ થતા પાલિકાના ત્રણ કર્મચારીઓને પોલીસે અટક કરી હતી અને બાદમાં છૂટકારો થયો હતો. તે સમયે કર્મચારીઓને કડવો અનુભવ થયો હતો.