5 April 2017

નવસારી APMCમાં પહેલાં દિવસે 800 મણ કેરી આવી


નવસારીની એપીએમસી માર્કેટમાં કેરીના આગમનની શરૂઆત થઈ છે. શરૂઆતમાં 800 મણ કેરી આવી છે તથા ભાવો પણ સારા પડ્યા છે.

નવસારી જિલ્લાનો મોટો વિસ્તાર બાગાયતી વિસ્તાર તરીકે જાણીતો છે. ખેડૂતો મોટા પ્રમાણમાં બાગાયતી પાકોની ખેતી કરે છે. બાગાયતી પાકોમાં કેરીનો સમાવેશ થાય છે. નવસારીમાં આવેલી એપીએમસીમાં દર વરસે મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો ઠલવાય છે. ગઈકાલે સોમવારથી અહીંની માર્કેટમાં કેરીનો જથ્થો આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દિવસે અંદાજે 800 મણ કેરી વિવિધ જાતની માર્કેટમા આવી હતી. કેરીનો જથ્થો મહદઅંશે નવસારી, જલાલપોર, તાલુકામાંથી આવે છે. દર વર્ષ કરતા અઠવાડિયુ વહેલા (તિથિની દૃષ્ટિએ સમયસર) માર્કેટમાં જથ્થો આવવાની શરૂઆત થઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારીના માર્કેટમાંથી કેરીનો જથ્થો વેપારીઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજ્યોમાં મોકલે છે. વરસે પણ કેરીનો પાક ત્રણથી ચાર ફાલમાં હોવાનું જાણવા મળ્યું છે. નવસારી એપીએમસીના દર્શન દેસાઈએ જણાવ્યું કે નવસારીમાં હાલ એક મણનો ભાવ રૂ. 300થી 1800 સુધીનો બોલાઈ રહ્યો છે. કેરીનો પાક આગામી સમયમાં બજારમાં વધુ આવશે.