8 April 2017

ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ કોલેજને તાળું માર્યું, ગેટ પર બેસી કર્યો વિરોધ


નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ સવારે કોલેજને તાળા મારી દઈ વિરોધ પ્રદર્શન કરાતા વાતાવરણ થોડા સમય માટે ગરમાયું હતું. આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘરે તે માટે યુનિ. તરફથી તાત્કાલિક જલાલપોર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.

ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છેલ્લા 16 દિવસથી હડતાળ ઉપર
નવસારીમાં એરૂ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છેલ્લા 16 દિવસથી હડતાળ ઉપર છે. સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ કરી દઈ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ્રીના અભ્યાસ બાદ આરએફઓ સહિત વિભાગમાં નોકરી મળે તે માટે માગ કરી રહ્યા છે. રાજ્યભરમાં નવસારીમાં જ આ ફોરેસ્ટ્રી કોલેજ ચાલે છે અને 150થી વધુ વિદ્યાર્થીઓ હાલ તેમા અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ ટેકો આપ્યો છે, જેના કારણે દિવસે દિવસે આ આંદોલન આગળ ધપી રહ્યું છે.

ફોરેસ્ટ્રી કોલેજના ગેટને તાળુ મારી દઈ વિરોધ પ્રદર્શન
નવસારીમાં ગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રી, વન પર્યાવરણ મંત્રી પણ નવસારીની મુલાકાતે હોવા છતાં તેઓ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની દરકાર લીધી ન હતી. જેના કારણે આજે શુક્રવારે વિદ્યાર્થીઓ અકળાય ઉઠ્યા હતા અને ફોરેસ્ટ્રી કોલેજના ગેટને તાળુ મારી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આચાર્યથી માંડી પ્રાધ્યાપકો કોલેજમાં પ્રવેશી નહીં શકતા મામલો ગરમાયો હતો. કોલેજને તાળુ મારી દેવાતા તમામ સ્ટાફના માણસોને બહાર બેસવાની નોબત આવીહતી.

વિદ્યાર્થીઓ કોલેજના ગેટ ઉપર પાસે બેસી ગયા
આ ઘટનાની જાણ કોલેજ તરફથી પોલીસને કરાતા પોલીસ પણ કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના ગેટ ઉપર એટ્રન્સ પર જ બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કરી પોતાની માગ સંતોષવા માગ કરી હતી. જોકે પાછળથી કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને સમજાવતા તાળા ખોલી દઈ સ્ટાફને પ્રવેશ અપાયો હતો પરંતુ તે અગાઉ આ ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું.