10 April 2017

દાદાભાઇ શોપિંગ સેન્ટર તોડવાનું કામ વિલંબમાં


નવસારીનાં પાંચહાટડી વિસ્તારમાં આવેલી દાદાભાઇ નવરોજી શોપીંગ સેન્ટર તોડવામાં વિલંબ થઇ રહયો છે. નવસારી શહેરમાં પાલિકા હસ્તકનાં અનેક શોપીંગ સેન્ટરો છે,જેઓના કેટલાક વર્ષો જુના હોઇ જર્જરીત થઇ ગયા છે. આવા શોપીંગ સેન્ટરોમાં સ્ટેશનની પશ્ચિમે આવેલ માર્કેટ તથા પાંચહાટડી વિસ્તારમાં આવેલ દાદાભાઇ નવરોજી શોપીંગ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.પાલિકા હસ્તકનાં બે શોપીંગ સેન્ટરોને તોડી નવા શોપીંગ સેન્ટરો બનાવવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો.

આ નિર્ણય અંતર્ગત નવસારી પાલિકાએ સૌ પ્રથમ સ્ટેશન માર્કેટને તોડી પાડવાની શરૂઆત કરી હતી. જેને જમીનદોસ્ત કરી જગ્યા પણ ખુલ્લી કરી દેવાઈ હતી. પાંચહાટડી વિસ્તારમાં આવેલ દાદાભાઈ નવરોજી શોપીંગ સેન્ટર તોડવાની યોજના પાલિકાએ બનાવી હતી. સ્ટેશન માર્કેટ તોડી પડાયાને દિવસોદિવસો વીતી ગયા છતા પાંચહાટડીના દાદાભાઇ શોપીંગ સેન્ટર તોડવાનું કામ હજુ પાલિકાએ હાથ ઉપર લીધું નથી અને વિલંબ થઈ રહ્યો છે.

દાદાભાઇ શોપીંગ સેન્ટરમાં અનેક દુકાનો કાર્યરત છે. જેને ખાલી કરાવાય તો જ શોપીંગ સેન્ટર તોડી શકાય એમ છે. આ દુકાનોને હજુ ખાલી કરાવી શકાઈ નથી. દુકાનધારકો સાથે બેઠક કરી સર્વસંમતિ સાધી ન શકાવાથી કામ વિલંબમાં મૂક્યું છે.