10 April 2017

વિદેશમાં નોકરીને નામે ૧૧.૫૯ લાખની ઠગાઈ

સુરત બાદ નવસારીમાં પણ વડોદરાની માર્કોનીસ ઇન્સ્ટીટયુટના સંચાલકોએ નવસારીના એસ.ટી. ડેપો પાસે ઓફિસ ખોલી વિદેશમાં નોકરી અપાવવાના બહાને વલસાડના યુવાન અને બે યુવતીઓને ફસાવી કુલ ૧૧.૫૯ લાખ ઉસેટી લીધા હતા. પોતે છેતરાયા હોવાનું જણાતા વલસાડના યુવાને નવસારી ટાઉન પોલીસ મથકે ઇન્સ્ટીટયુટના ડાયરેક્ટર, સી. ઇ. ઓ સહિત કુલ ચાર સામે ૧૧.૫૯ લાખની છેતરીપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરના લુહારવાડના ઓમ સદન આશિષ એપાર્ટમેન્ટની સામે રહેતા જયેશભાઇ શ્રીકાંતભાઇ મિસ્ત્રી સિનિયર ડિઝાઇનીંગ ઇજનેર તરીકે કામ કરે છે. ગત એપ્રિલ ૨૦૧૫માં તેમણે એક અખબારમાં નવસારી એસ.ટી. ડેપો સામે આવેલી કે.કે. પ્લાઝામાં માર્કોનીસ ઇન્સ્ટીટયુટ પ્રા. લિ. કંપનીની વિદેશમાં નોકરી અપાવવાની જાહેરાત જોઇ હતી. જેથી વિદેશમાં નોકરીની લાલચે જયેશ નવસારી આવ્યા હતા અને નવસારી બ્રાંચના મેનેજર જીગર પંચાલને મળીને કેનેડાના કયુબેકમાં નોકરી માટે જવાની ઇચ્છા દર્શાવી હતી. કેનેડામાં નોકરી માટે જીગર પંચાલે ૫.૫૦ લાખ રૃપિયાનો ખર્ચો થશે, અને રૃપિયા હપ્તે આપી શકાશે એવુ જણાવ્યુ હતુ.

ત્યારબાદ જયેશભાઇએ ગત ૩જી મે ૨૦૧૫માં બ્રાન્ચ મેનેજર જીગરને ૧.૮૫ લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. ત્યારે જીગરે જણાવ્યુ હતુ કે, હવે જ્યારે ઓફર લેટર આવે ત્યારે તમારે બીજો હપ્તો ભરવાનો રહશે. ગત ૯ જુલાઇ ૨૦૧૫ના રોજ તેમને માર્કોનીસ ઇન્સ્ટીટયુટમાંથી ફોન આવ્યો હતો કે, તમને પીટર ઇવીટ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીમાંથી ઓફર લેટર આવ્યો છે. જેથી જયેશભાઇએ ૩જી ઓગષ્ટ ૨૦૧૫ના રોજ ચેક મારફતે ૧,૨૫,૪૦૦ રૃપિયા ભર્યા હતા. ત્યારે ઇન્સ્ટીટયુટમાં કામ કરતી ખુશ્બુ પટેલે જણાવ્યું હતુ કે, એલ.એમ.આઇ.એ. પ્રોસેસ બાદ તમારે ત્રીજો હપ્તો ભરવાનો રહેશે. ત્યારબાદ જયેશભાઇએ માર્કોનીસ ઇન્સ્ટીટયુટમાં વારંવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને કોઇ જવાબ ન મળતા તે ઓફિસે ગયા હતા, જ્યાં તેમને ખુશ્બુ પાસેથી જાણવા મળ્યુ હતુ કે, તેમને વર્ક પરમીટ નથી મળી. જેથી તેમણે ફાઇલ પાછી ખેંચવી પડશે અને તેમને ૩ થી ૪ મહિનામાં તેમના ભરેલા રૃપિયા પરત મળી જશે. પરંતુ મહિનાઓ પસાર થયા બાદ પણ તેમને ભરેલા રૃપિયા પરત ન મળતા જયેશભાઇ કંપનીના સી.ઇ.ઓ. જીજ્ઞોશ પટેલને મળ્યા હતા, ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, તમારા રૃપિયા પાંચ હપ્તામાં પરત થશે અને પહેલો હપ્તો ૧,૫૫,૩૫૦ રૃપિયાનો ૩૦ મી એપ્રિલ ૨૦૧૬ના રોજ મળી જશે, પરંતુ એ દિવસે જીજ્ઞોશે તેમને ૭૫ હજાર રૃપિયા જ આપ્યા હતા અને ૨,૩૫,૭૦૦ રૃપિયાનો સેફ્ટી ચેક આપ્યો હતો. ત્યારબાદ ૨૬ મી ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ બીજા ૨૦ હજાર રૃપિયા આપ્યા હતા. જેનાથી અકળાઇને જયેશભાઇ બેંકમાં ચેક નાંખતા, તે બાઉન્સ થયો હતો. જેથી નવસારી આવી તપાસ કરતા બ્રાંચ બંધ મળી હતી અને બ્રાંચ વડોદરા શીફ્ટ થઇ હોવાનું જણાતા તેઓ વડોદરા જઇ જીજ્ઞોશને મળ્યા હતા, પરંતુ રૃપિયા મળ્યા ન હતા. દરમિયાન ગત ૮મી માર્ચના ઇન્સ્ટીટયુટના વિશાલ મંકોડીયાએ તેમને ૧.૧૫ લાખ રૃપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ તે પણ બાઉન્સ થયો હતો. તપાસ કરતા ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવાયું હોવાનું બહાર આવ્યું હતુ. દરમિયાનમાં કંપની દ્વારા વિરાંચીબેન જીતેન્દ્રસિંહ પરમારની પાસેથી ૫,૯૯,૭૬૦ રૃપિયા અને લીસાબેન શૈલેષભાઇ કોળી પાસેથી પણ વિદેશ મોકલવાના નામે ૩.૪૪ લાખ રૃપિયા લીધા હોવાનુ જણાયુ હતુ. જેથી છેતરાયેલા જયેશભાઇએ કંપનીના ડાયરેક્ટર કમ માલિક અને વડોદરા ખાતે રહેતા શૈલેષ ભાઇલાલ પટેલ અને તેમના પત્ની નેહા શૈલેષભાઇ પટેલ, કંપનીના સી.ઇ.ઓ. જીજ્ઞોશ પટેલ અને જીગર પંચાલ વિરૃદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.