11 April 2017

દૂધિયા તળાવ શોપિંગ સેન્ટરમાં બીજા માળનું બાંધકામ થતાં વિવાદ

નવસારી પાલિકાના દુધિયા તળાવ શોપિંગ સેન્ટરમાં બીજા માળે શરૂ થયેલા બાંધકામ વિવાદમાં સપડાયું છે. બાંધકામને લઈને મકાનના પાયાને નુકસાન થવાની ભીતિ નજીકના દુકાનદારોએ પાલિકાને આપેલી અરજીમાં વ્યક્ત કરી છે.

અંગે મળતી માહિતી અનુસાર નવસારી પાલિકા કચેરી નજીક પાલિકા સંચાલિત જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર (દુધિયા તળાવ શોપિંગ સેન્ટર) આવેલું છે. શોપિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. શોપિંગ સેન્ટરમાં વિનય ઠાકોરભાઈ ગાંધી, રાજેશ નવિનચંદ્ર શાહ તથા શ્યામલાલ જી. સુગંધી પણ દુકાન ધરાવે છે. તેમની દુકાનોની ઉપર બીજા માળે હાલ બાંધકામ શરૂ થયું છે.

બાંધકામ સામે વિનય ગાંધી, રાજેશ શાહ અને શ્યામલાલ સુગંધીએ નવસારી પાલિકામાં આજે 10મીએ એક અરજી આપી હતી. અરજીમાં વરસોપુરાણા શોપિંગ સેન્ટરમાં (જે જર્જરિત પણ છે) બીજા માળે શરૂ થયેલા બાંધકામ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ શોપીંગ સેન્ટરમાં ચાલી રહેલા બાંધકામ અંગે કોઈ પરમિશન લેવામાં આવી હતી કે કેમ અને જો પરમિશન અપાઈ તો કેટલા વર્ષ જૂની છે અને પરવાનગીની અવધિ કેટલા સમયની છે વગેરે બાબતે જાણકારી માગી છે.

અરજદારોએ હાલના નવા બાંધકામ થવાથી સ્ટ્રકચર ઉપર બોજ વધવાની મકાનને તેમજ મકાનના પાયાને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.