12 April 2017

નવસારીના મંદિરોમાં હનુમાનજી જયંતીએ દર્શનાર્થે ભક્તોની ભીડ


દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ વિરવાડી હનુમાનજી મંદિરે હનુમાન જયંતી મહોત્સવની ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગ મોટી સંખ્યામાં લોકોએ હનુમાનજીના દર્શન કર્યા હતા. જ્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નવસારીમાં મોટાબજાર, શાકમાર્કેટ, કાલીયાવાડી, સરબતિયા તળાવ, વિજલપોરમાં શિવાજી ચોક વગેરે વિસ્તારોમાં પણ હનુમાન જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી.

વિરવાડી ખાતે બપોરે 12 કલાકે ધ્વજારોહણ, બપોરે 3.30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી. સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું હતું. અગાઉ બપોરે 4 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હનુમાનજીના દર્શન કર્યા હતા.

ટ્રસ્ટના પ્રમુખ અશોક ધોરાજીયા તથા ટ્રસ્ટી મંડળે કહ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન દાતા રાજેશજી પ્યારેલાલજી અગ્રવાલ પરિવાર ન્યુ દિલ્હી, ટ્રસ્ટના મંત્રી સુભાષભાઈના દીકરી-જમાઇ પરિવાર દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનુ આયોજન પણ કરાયું હતું. કાલીયાવાડી ખાતે આવેલા વીર હનુમાનજી મંદિર બાપા સીતારામ મઢુલી ખાતે ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. સવારે 9 કલાકે યજ્ઞ, ધજાઆરોહણ સાથે મહાપ્રસાદ અને છપ્પન ભોગ ધરાવી ભક્તોએ ભારે ભીડ જમાવી હતી. બાપા સીતારામ પરિવાર દ્વારા કાલીયાવાડી હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે અને પૂર્ણિમાના રોજ ભંડારો કરી ગરીબ પરિવારોને અન્નદાન શ્રેષ્ઠદાન થકી સેવાની આલેખ જગાડી છે.

મંદિરના ભક્ત નાજાભાઈ ભરવાડ અને સીતારામ પરિવારના ચીકાભાઈ, રિટાયર્ડ પીઆઈ ગોહિલ, પ્રદીપભાઈ મહેતા, નયન પટેલ, રાજભા જાદવ સહિત સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભક્તજનોને દર શનિવારે 800થી 1 હજાર અને પૂનમે 1500થી 2000 હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.