13 April 2017

વિજલપોરની ચાર સોસાયટીઓમાં બોર બગડતા પાણીનો પોકાર પડયો


ઉનાળાની શરૃઆત થતાની સાથે જ શહેર હોય કે ગામડુ પાણીની સમસ્યા જોવા મળતી હોય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે નવસારી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦૦ ફૂટે પણ પાણી મળતા ન હોવાની બુમો ઉઠે છે. ત્યારે એપ્રિલના મધ્યમાં પહોંચતા જ વિજલપોર શહેરના સીટી ગાર્ડન વિસ્તારનો પાણીનો બોર બગડતા બે દિવસથી આસ-પાસની ચાર સોસાયટીઓના લોકોને પાણીની સમસ્યા વેઠવી પડી રહી છે. જોકે વિજલપોર પાલિકા દ્વારા બોરનું સમારકામ શરૃ કરી દેવામાં આવ્યુ છે અને પાણીની સમસ્યાના નિવારણ માટે આ સોસાયટીઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ.

ઉનાળાની શરૃઆતમાં જ નવસારી પંથકમાં કાળઝાળ ગરમી વરસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એમાં પણ જો પાણીની સમસ્યા ઉભી થાય, તો ખાસ કરીને ગૃહિણિઓની સ્થિતિ કફોડી બને છે. નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના સીટી ગાર્ડન, રોયલ પાર્ક, મારૃતી નગર, ઓમકાર પાર્ક સોસાયટીઓને પાણી પુરૃ પાડતો સીટી ગાર્ડનના બોર બગડતા બે દિવસથી આ સોસાયટીના લોકોને આકરી ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. પાણીની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિકોએ પાલિકાના ટેન્કરોનો સહારો લેવો પડયો હતો. ગત રોજ સાંજે તેમજ આજે સવારે પણ લોકોએ પાલિકાના ટેન્કર ઉપર આધાર રાખ્યો હતો અને પાણી મેળવવા માટે કતારો લગાવી હતી.

પાણી બંધ થવાના કારણમાં સીટી ગાર્ડનના બોરની મોટર બળી જવાનું ધ્યાને આવતા સ્થાનિક કોર્પોરેટર અર્જુનદાદા પાટીલે પાણીની સમસ્યાનું વહેલુ નિરાકરણ આવે એ માટે તાત્કાલિક ધોરણે બોરનું સમારકામ શરૃ કરાવ્યુ હતુ. જેમાં આજે બુધવારે પાલિકાના કર્મચારીઓએ સીટી ગાર્ડનના બોરની મોટર બદલવાની કામગીરી હાથ ધરી હતી.

સાથે જ આજે સાંજે પણ વિસ્તારના લોકોને પાણીની તકલીફ ન પડે એ માટે પાલિકામાંથી ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ.

મોટર બળી જતા પ્રશ્ન સર્જાયોઃ અર્જુનદાદા
આ બાબતે વિજલપોર પાલિકાના સ્થાનિક કોર્પોરેટર અર્જુનદાદા પાટીલે જણાવ્યુ હતુ કે, સીટી ગાર્ડનના બોરની મોટર બળી જતા પાણીની સમસ્યા વર્તાઇ હતી. તાત્કાલિક ધોરણે નવી મોટર નાંખી દેવામાં આવી છે અને કદાચ આજે સાંજે અથવા આવતીકાલે સવારથી પાણી રાબેતા મુજબ મળતુ થઇ જશે. તેમ છતા હાલમાં ટેન્કર દ્વારા લોકોને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.