15 April 2017

દાદાભાઈની પ્રતિમા સાફ ન હોવાથી દલિત સમાજે રેલી અટકાવી


નવસારીમાં દલિત સમાજની રેલી ટાવર સર્કલ પાસે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી અટકી રહી હતી. અગાઉ પાલિકા સત્તાધિશો શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફસફાઈ બાબતે લેખિત જાણ કરવા છતાં દાદાભાઈ નવરોજીની પ્રતિમાની સફાઈ નહીં થઈ હોવાનું દલિત આગેવાનોના ધ્યાન ઉપર આવતા રેલી ટાવર પાસે અટકાવી દેવાઈ હતી. જોકે ટાઉન પીઆઈ સોમૈયાએ પ્રતિમાની જાતે સફાઈ કરતા રેલી આગળ વધી હતી. જોકે રેલી અટકી પડતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.

નવસારી શહેરમાં લુન્સીકૂઈ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી દલિત આગેવાનોએ અલગ અલગ બે જગ્યાએથી રેલીનું આયોજન કર્યું હતું. ડો. આંબેડકરની આજે જન્મજયંતી હોવાથી રેલી નીકળી હતી. એક રેલી મિથિલાનગરી અને બીજી વિજલપોરથી નીકળી હતી. જે બંને ફૂવારા ખાતે ભેગી થઈ હતી. રેલીમાં હજારોની સંખ્યામાં દલિત ભાઈ-બહેનો જોડાયા હતા. રેલી ફુવારાથી આગળ વધી ગોલવાડ થઈ સવારે 11.30 કલાકની આસપાસ ટાવર પાસે પહોંચી હતી. દરમિયાન દલિત આગેવાનો હિતેન્દ્ર દાફડા, એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર, નાનજીભાઈ ડોડીયા, રમેશભાઈ વગેરેના ધ્યાન ઉપર આવ્યું હતું કે લક્ષ્મણ હોલ ખાતે આવેલી દાદાભાઈ નવરોજીની પ્રતિમાની સફાઈ થઈ નથી. અગાઉ પાલિકા તથા કલેકટરને શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ રાખવા તાકિદ કરતું આવેદન પણ આપવામાં આવ્યું હતું છતાં દાદાભાઈ નવરોજીની પ્રતિમા ઉપર ધૂળ જણાતા રેલી ટાવર પાસે દલિત આગેવાનોએ અટકાવી દીધી હતી. જ્યાં સુધી દાદાભાઈ નવરોજીની પ્રતિમાની સફાઈ નહીં થાય ત્યાં સુધી રેલી આગળ નહીં વધે તેવો નિર્ધાર વ્યક્ત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નવસારી ટાઉન પીઆઈ એ.પી. સોમૈયાને બાબતે ધ્યાન દોરાતા તેઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જોકે અડધો કલાક સુધી રેલી આગળ વધી હતી. હજારોની સંખ્યામાં લોકોને જોતા શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ટાઉન પીઆઈ સોમૈયાએ પ્રતિમાની સફાઈ બાબતે અને રેલી અંગે ચીફ ઓફિસરનું ટેલિફોનિક પરથી ધ્યાન દોર્યું હતું. જોકે પાલિકાના કર્મચારીઓ આવે તે પહેલા કોઈ અઘટિત ઘટના ઘટે તે માટે ટાઉન પીઆઈ સોમૈયાએ જ પોતે પાણીથી દાદાભાઇ નવરોજીની પ્રતિમા સાફ કરી દીધી હતી અને દલિત આગેવાનોને રેલી આગળ વધારવા અનુરોધ કર્યો હતો. એ પછી રેલી આગળ વધતા પોલિસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે પાલિકાના ચીફ ઓફિસરને ધ્યાન ઉપર આ બાબત લવાતા જ જૂનાથાણા પ્રતિમાની સફાઈ તાત્કાલિક કરાવી દેવાઈ હતી. જોકે આ ઘટના સમગ્ર શહેરમા ચર્ચાનો વિષય બન્યો હતો.

કાંકરીચાળો કરે તો સ્થિતિ બગડે તેમ હતી 
કાયદો અને વ્યવસ્થા બગડે તેનું ધ્યાન રાખવાની મારી ફરજ છે રેલી આગળ નહીં વધતા અઘટિત ઘટનાના એંધાણ વર્તાયા હતા. હજારોની સંખ્યામાં દલિત સમાજના ભાઈ-બહેનો હતા અને કોઈ કાંકરીચાળો કરે તો કાયદો અને વ્યવસ્થા બગડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ હતું. જેથી તાત્કાલિક ધોરણે દાદાભાઈ નવરોજીની પ્રતિમાની સફાઈ કરી હતી. >એ.પી.સોમૈયા, પીઆઈ, ટાઉન