16 April 2017

નવસારી માર્કેટમાં 1400 મણ કેરીની આવક શરૂ


નવસારી એપીએમસી માર્કેટમાં કેરીની આવકમાં સાધારણ વધારા સાથે ભાવમાં સાધારણ ઘટાડો થયો છે. નવસારીમાં વિરાવળ નજીક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) માર્કેટ આવેલી છે. આ માર્કેટમાં હવે કેરીની સિઝનની ધીમી ગતિએ શરૂઆત થઈ છે. ગત ત્રીજી એપ્રિલના રોજથી માર્કેટમાં હરાજીનો આરંભ થયો હતો. શરૂઆતના દિવસે માર્કેટમાં 800 મણ કેરીનો જથ્થો આવ્યો હતો. હવે કેરીની હરાજીને 10 દિવસ થયા છે ત્યારે કેરીની આવકમાં પણ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.

શરૂઆત કરતા ભાવમાં સાધારણ ઘટાડો પણ થયો, એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં હજુ કેરી વધુ આવશે
છેલ્લા બે ત્રણ દિવસથી માર્કેટમાં 1262થી 1474 મણ કેરી આવી છે. આ કેરીનો જથ્થો નવસારી અને જલાલપોર તાલુકાના સ્થાનિક ગામોમાંથી આવવા સાથે ગણદેવી, પલસાણા, કામરેજ, બારડોલીથી પણ આવી રહી છે. માર્કેટમાં જથ્થો વધતા શરૂઆત કરતા ભાવમાં ઘટાડો થયો છે. નવસારી એપીએમસીના ચેરમેન આશિષ નાયકે જણાવ્યું કે હાલમાં કેરીની આવકમાં ક્રમશ: વધારો થયો છે. ખરો વધારો બલ્કમાં એપ્રિલ માસના અંતમાં થવાની શક્યતા છે. મે મહિનાની શરૂઆતમાં પણ સારી કેરી આવશે. એપ્રિલના અંત-મે મહિનાની શરૂઆતમાં ભાવ ઘટવાની ધારણા છે.