18 April 2017

શોપિંગ સેન્ટરનાં દબાણ 7 દિવસમાં દૂર કરવા નોટિસ

નવસારીના વાજપેયી શોપિંગ સેન્ટરમાં દબાણ કરનારા 30 દુકાનદારોને 7 દિવસમાં દબાણ દૂર કરવાની પાલિકાએ નોટીસ આપી દીધી છે.

નવસારીમાં પારસી હોસ્પિટલ સામે આવેલા પાલિકા સંચાલિત વાજપેયી શોપિંગ સેન્ટરમાં ઘણી દુકાનો આવેલી છે. અહીં આવેલી દુકાનોમાંથી કેટલાકમાં દબાણો થયા છે. જેમાંથી પાલિકાએ એક દુકાનનું દબાણ દૂર કરી અન્યોના દબાણ દૂર કરતા વિવાદ ઉભો થયો છે. બાબતને લઈને પાલિકાએ શોપિંગ સેન્ટરમાં કરાયેલા દબાણનો સરવે હાલમાં કરાવ્યો હતો. સરવેમાં બહાર આવેલા દબાણવાળી દુકાનોને પાલિકાએ આજે સોમવારે નોટીસ આપ્યાની જાણકારી આપી છે.

૩૦ જેટલા દુકાનદારોને નોટીસ અપાઈ છે. પાલિકાએ દબાણદારોને આપેલી નોટીસમાં જણાવ્યું છે કે વાજપેયી શોપિંગ સેન્ટરમાં સ્થળ તપાસ કરતા દુકાન સિવાય પણ દબાણ થયેલાનું માલુમ પડ્યું છે. આ દબાણોને સાત દિવસમાં દૂર કરી દેવું નહીં તો પાલિકા દુકાનદારોના ખર્ચે દબાણ દૂર કરશે. શોપિંગ સેન્ટરમાં ભોંયતળિયે આવેલી દુકાનોના ધારકોએ દુકાનના પાછળના ભાગે તથા આગળના ભાગે પણ દબાણ કર્યું હોય તેઓને નોટીસ આપી છે.