18 April 2017

વિજલપોરની આકાશગંગા સોસાયટી પાસે ટોળાની બબાલ

વિજલપોરનીઆકાશગંગા સોસાયટી નજીક ગતરાત્રે એક ટોળાએ કોઈક કારણસર અદાવત રાખી બબાલ કર્યાની જાણકારી મળી છે.

વિજલપોર શહેરમાં પૂર્વ બાજુએ પોલીસ ચોકીથી થોડે દૂર આકાશગંગા સોસાયટી આવેલી છે. સોસાયટીના ગેટ નજીક ગત રવિવારની રાત્રિએ એક ટોળુ અચાનક ધસી આવ્યું હતું. ટોળામાં સામેલ કેટલાક પાસે દંડા પણ હતા. 70થી 80 જણાં ટોળામાં સામેલ હોવાની વાત જાણવા મળી છે. તેઓએ ગેટ સામે મુકેલી એક બાઈકને નુકસાની પણ પહોંચાડી હતી. વધુમાં સોસાયટીમાં ગાળાગાળી કરી ધમકીભર્યા શબ્દો ઉચ્ચારતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ટોળુ શા માટે અચાનક સોસાયટીમાં ધસી આવ્યું બાબત ચોક્કસ જાણી શકાયું નથી અને જાતજાતની વાતો ચર્ચાઈ રહી છે. જેમાં કોઈક સાથે અંગત અદાવત, વોટસઅપ ગ્રુપનો ઝઘડો વગેરે વાતો ચર્ચાઈ રહી છે.

ગતરાત્રિના બનાવ અંગે આકાશગંગા સોસાયટીના એક શખ્સ નામે સંતોષ પ્રકાશભાઈ સોહેલે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે. જેમાં ગતરાત્રે તેની બાઈકને નુકસાની પહોંચાડી ગાળાગાળી કરી ધમકી આપ્યાનું જણાવ્યું છે. ફરિયાદમાં બે શખ્સના નામ (અધુરા નામ) આપ્યા છે.