21 April 2017

નવસારીમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો


તાજેતરના દિવસોમાં નવસારીમાં મહત્તમ શાકભાજીના ભાવોમાં ભારે વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં વધારો 40થી 300 ટકા સુધીનો થઈ ગયાના આંકડા સૂચવે છે.

ઉનાળો શરૂ થયા બાદ શાકભાજીના ભાવો વધવાની શરૂઆત થઈ હતી. તેમાંય છેલ્લા એક મહિનામાં તો મહત્તમ શાકભાજીના ભાવોમાં વધારો થતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આમ તો મહત્તમ શાકભાજીના ભાવો ‌વધ્યા છે પરંતુ ભાવોમાં થયેલો વધારો એકસરખો નથી. રોજિંદા વપરાશમા વધુ વપરાય છે ટામેટા અને બટાકાના ભાવમાં 40થી 70 ટકા વધારો છેલ્લા મહિનામાં જોવાયો છે. આજ સમયગાળા દરમિયાન તુવર અને વટાણાના ભાવમાં તો 100થી 300 ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. પાપડીનો ભાવ પણ 80થી 100 ટકા વધ્યો છે. તુવેર અને પાપડીનો 1 કિલોનો છૂટક ભાવ રૂ. 100ને સ્પર્શી ગયો છે.

ભાવવધારાને કારણે અનેક શાકભાજી ખરીદતા લોકો ખંચકાઈ રહ્યા છે. અંગે નવસારી જલાલપોર તાલુકા સહકારી બાગાયત મંડળી લિ. ના મેનેજર રાકેશ નાયકે જણાવ્યું કે હાલના સમયમાં શાકભાજીનું ઉત્પાદન ઓછુ થઈ જવાથી ભાવવધારો થયો છે. શાકભાજીના છૂટક વેપારી મહેન્દ્ર ઢીમ્મરે જણાવ્યું કે માગના પ્રમાણમાં શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવવધારો થાય છે. કેટલાક શાકભાજીના ભાવ દરરોજ બદલાય છે.