23 April 2017

બે વિદ્યાર્થીની તબિયત લથડી, પરંતુ ફરી ભૂખ હડતાળમાં જોડાયા


નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ હાથ ધરેલું આંદોલન વેગ પકડી રહ્યું છે. આજે પુન: આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરાવાયું હતું. જેમાં બે વિદ્યાર્થીની તબિયત નાદુરસ્ત જણાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તેમણે સારવાર લીધી હતી અને પરત હડતાળ સ્થળ પર પહોંચી પોતાની હડતાળને અકબંધ રાખી હતી. આજે ભૂખ હડતાળ પર ઉતરનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાત પર પહોંચી છે.

પોતાની વિવિધ માંગણીના સંદર્ભે છેલ્લા 30 દિવસથી આંદોલન કરી રહેલા નવસારી કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓનું આંદોલન સંદર્ભે સરકાર દ્વારા આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેના કારણે વિદ્યાર્થીઓએ ભુખ હડતાળના મંડાણ કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. ગતરોજથી પાંચ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શરૂ કરી હતી. જેમાં આજે વધુ બે વિદ્યાર્થીઓ ઉમેરાયા છે. જેના પગલે ભૂખ હડતાળ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યાનો આંક હવે સાત પર પહોંચ્યો છે. જે આગામી દિવસોમાં વધતો જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે હડતાળના 30 દિવસ થતા આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓ મળી કુલ 30 વિદ્યાર્થીઓ પણ પ્રતિક ભૂખ હડતાળ કરી હતી અને સરકારને ન્યાય મળે ત્યાં સુધી નહીં ઝૂકવાનો મૂક સંદેશો પાઠવ્યો હતો. આજે વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ દરમિયાન પુન: મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં બે વિદ્યાર્થીઓની હાલત કથળી રહી હોવાનું જણાતા તબીબોએ તે અંગેની જાણ કોલેજના ડીન સહિત હોદ્દેદારોને કરી હતી. જેથી તેઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ બંને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા પરંતુ તેમણે સારવાર લીધી હતી અને પરત પોતાના નિયત સ્થળે પહોંચી ભૂખ હડતાળમાં જોડાઈ ગયા હતા. જો વહેલી તકે સરકાર દ્વારા ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાય રહ્યા છે.