23 April 2017

વીજપ્રવાહ વધતા 30 ઘરમાં ઉપકરણો ફૂંકાયાં

વિજલપોરના વિઠ્ઠલ મંદિર નજીકના વિસ્તારોમાં બપોરના સમયે અચાનક વીજ સપ્લાય વધી જતા ત્રણથી વધુ સોસાયટીમાં લાખો રૂપિયાની કિંમતના વીજઉપકરણો ફૂંકાઈ જતા ઉહાપોહ મચી ગયો હતો. જોકે ઘટનાની જાણ થતા વીજ કંપનીના કર્મચારીઓએ વીજ સપ્લાય બંધ કરી બે કલાકની જહેમત બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ કર્યો હતો.

વિજલપોરમાં આજે બપોરે વિઠ્ઠલ મંદિર નજીકના વિસ્તારો પૈકી શિવાજીનગર, કૈલાશનગર, સંસ્કાર એપાર્ટમેન્ટ, રાધાનગર વગેરે સોસાયટીમાં વીજ સપ્લાય અચાનક વધી ગયો હતો. વીજ સપ્લાય વધી જવાને કારણે સોસાયટી તથા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ઘરમાં વપરાતા વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા. એકસાથે બનેલી ઘટનાને પગલે સોસાયટીના રહીશો બહાર આવી ગયા હતા અને વીજ કંપનીના માથે માછલા ધોયા હતા. લોકોએ વીજ કંપની સામે આક્રોશ ઠાલવ્યો હતો. સૌથી વધુ નુકસાન કૈલાશનગરમાં થયું હોવાની માહિતી સાંપડી છે. જ્યારે કૈલાશનગરમાં અંદાજિત 30 જેટલા ઘરમાં વીજઉપકરણો ફૂંકાઈ ગયા હતા. ઉપરાંત સંસ્કાર એપાર્ટમેન્ટ અને રાધાનગરમાં પણ ટીવી, પંખા, ઈલેકટ્રી બોર્ડ, ફ્રીઝ વગેરે ઉપકરણો ફૂંકાઈ ગયા હતા. જેના કારણે લોકોએ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે વિજલપોર વીજ કંપનીના કર્મચારીઓને આ ઘટનાની જાણ થતા જ વીજ પુરવઠો બંધ કરી દઈ કાર્યવાહી હાથ ધરી હતી અને અંદાજિત ૨ કલાકની જહેમત ઉઠાવી પુન: વીજ પુરવઠો રાબેતા મુજબ કર્યો હતો.

વિઠ્ઠલમંદિર નજીક મેઈન રોડ પર કોઈ ખાનગી બસના ઉપરના ભાગે વીજતાર અડી જતા તે ભેરવાયા હતા અને તૂટી જતા વીજપુરવઠો ખોરવાયો હતો તેની માહિતી મળી હતી પરંતુ નુકસાન થયા અંગેની વિગત મળી નથી. - એસ.ડી.પટેલ, એન્જિનિયર,વિજલપોર જીઈબી

અચાનક વીજસપ્લાય વધી ગયો 
મારાઘરમાં અચાનક વધારે પડતો વીજ સપ્લાય આવતા વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. અમારા વિસ્તારમાં 30 જેટલા ઘરોમાં નુકસાન થયું છે. - સુરેશભાઈ, સ્થાનિકરહીશ