24 April 2017

સોલર મેમોરિયલ પ્રોજેક્ટથી દાંડીની સૂરત બદલાશે


90 કરોડ રૂપિયાનાં ખર્ચે આકાર લઇ રહેલા નેશનલ સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટને કારણે ઐતિહાસિક દાંડીની સૂરત આગામી સમયમાં બદલાઇ જશે.

સને 1930માં આઝાદીનાં આંદોલન અંતર્ગત મહાત્મા ગાંધીએ વિશ્વપ્રસિધ્ધ મીઠા સત્યાગ્રહ દાંડીમાં કર્યો હતો.ઐતિહાસિક તેમ છચા દાંડીનો વિકાસ થવો જોઇતો હતો તેવો થયો નથી..જોકે ભારત સરકારનાં નેશનલ સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટ અંતર્ગત 90 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે દાંડીમાં વિવિધ પ્રકલ્પો આગામી સમયમાં આકાર લેશે. પ્રોજેક્ટ માટે નાણાંની ફાળવણી ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલયે કરી છે.પ્રોજેક્ટનું અમલીકરણ સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD) કરી રહયું છે.પ્રોજેક્ટની ડીઝાઇન કામગીરી સાથે આઇઆઇટી મુંબઇ સંકળાયેલ છે. પ્રોજેક્ટનું મોનેટરીંગ હાઇલેવલ કમિટી કરી રહી છે.

મળતી માહિતી મુજબ સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટ અંતર્ગત આમ તો દાંડીમાં અનેક પ્રકલ્પો આકાર લેશે જેમાં દાંડીકૂચમાં મહાત્મા ગાંધી સાથે સને 1930 માં કૂચ કરનાર તમામ 80 સત્યાગ્રહીઓની આબેહુબ પ્રતિમા પણ મૂકવામાં આવશે.અહીં પણ ઉલ્લેખનીય છે કે તમામ પ્રતિમાઓ દાંડીમાં તો આવી ગયાને ખાસ્સો સમય થયો છે પરંતુ તેમા નિર્ધારિત સ્થળે હજુ મૂકી શકાઇ નથી.આ પ્રોજેક્ટનો મોટો ભાગ સૈફીવીલા નજીકના વિસ્તારમાં આકાર લેનાર હોવાની પણ માહિતી મળી છે.નવસારી જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ જણાવ્યું કે 90 કરોડનાં ખર્ચે દાંડીમાં આકાર લેનાર નેશનલ સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટની શરૂઆત તો થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય મુજબ સપ્ટેમ્બર 2018માં પુર્ણ થવાની ધારણા છે.

પ્રોજેક્ટમાં શું શું બનશે 
  • મહાત્મા ગાંધી સાથે કૂચ કરનાર તથા સત્યાગ્રહીઓની પ્રતિમા મૂકવી 
  • નયનરમ્ય સુંદર સરોવર (ઝીલ)નું નિર્માણ 
  • વોક વે નું નિર્માણ કરવું 
  • સોલર ટ્રી પાર્કનું નિર્માણ કરવું 
  • સત્યાગ્રહ સંલગ્ન મ્યુઝીયમ 
  • લાઇટ હાઉસ તથા વેલકમ સેન્ટર 
  • બ્રીજ તથા અન્ય પ્રકલ્પોનું નિર્માણ