25 April 2017

નવસારી જિલ્લામાં ફૂડની લારી પર મોબાઇલની બેટરી ચાર્જ કરી શકાશે


નવસારી જિલ્લાના ચાર શહેરોમાં ફૂડની લારીઓનું સ્ટાન્ડર્ડ સુધારવાની યોજના બનાવાઈ છે. યોજના અંતર્ગત આજે સોમવારે નવસારીમાં ઈકો ફ્રેન્ડલી લારીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં ચાર શહેરો નવસારી ઉપરાંત બીલીમોરા, વિજલપોર, અને ગણદેવીમાં મોટી સંખ્યામાં લારી ગલ્લાઓ છે. જેમા અંદાજે ૩૬૭ લારીઓ તો આહાર (ફૂડ) ની વાનગીઓની જ છે. આમાની ઘણી લારીઓમાં ફૂડના ધારાધોરણનું પાલન થતું નથી. આ ઉપરાંત સ્વચ્છતા તથા સ્વાસ્થ્યના પણ ધારાધોરણનું પાલન થતું નથી.

આ ફૂડની લારીઓનું સ્ટાન્ડર્ડ સુધારી પદ્ધતિસર કરવાની યોજના સરકારે બનાવી છે. જે અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તાલીમ અપાશે. સંભવત: ડ્રેસકોડ પણ નક્કી થશે. આજે સોમવારે આ યોજના અંતર્ગત જ ઇકો ફ્રેન્ડલી ૩૦૦ લારીઓનું રાહતદરે વિતરણ નવસારીમાં
કરવામાં આવ્યું હતું. આ અંગે ડીએમઓ જે. યુ. વસાવાએ જણાવ્યું કે આ યોજના થકી નાગરિકોને તંદુરસ્ત અને સ્વચ્છ ફૂડ ઉપલબ્ધ કરવાની સાથે આ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોનું જીવનધોરન ઉંચુ લાવવાનો પણ સરકારનો ઉદ્દેશ છે.

લારી પર સોલર પેનલ મુકાઇ છે 
વિતરીત કરાયેલી લારીઓમાં અનેક સુવિધા છે. જેમાં ઈકો ફ્રેન્ડલી સોલારથી ચાલતી લાઈટની સુવિધા, ઈન્વર્ટર બેટરી, એફએમ રેડિયો, યુએસબી પોર્ટ, મોબાઈલ ચાર્જિગ પોઈન્ટ, એલઈડી લાઈટ વગેરે છે.