26 April 2017

નવસારીમાં 5 મોપેડ અને મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો


નવસારી એલસીબીએ 5 એકટીવા ચોરી અને એક મોબાઈલ ચોરીના કેસમાં સંડોવાયેલા લબરમૂછીયા યુવાનની ધરપકડ કરી અનડિટેકટ 6 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

નવસારીમાં આશાનગર પાસે રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ પાસેથી એકટીવા (નં. જીજે-21-એબી-2742)ની ચોરી થઈ હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ હતી. ચોરી થયેલી એકટીવા ટાટા સ્કૂલ રોડ પાસે વિરાવળ જકાતનાકા સામે સિટીસ્ટાર પ્લાઝા એપાર્ટમેન્ટમાં આવેલા ગુજરાત ઓટો ગેરેજમાં કલરકામ કરવા મુકવામાં આવ્યું હતું. જેની એલસીબી પીઆઈ ડી.એન. પટેલ તથા તેમની ટીમે તપાસ કરતા રૂ. 10 હજારની કિંમતનું એકટીવા ઘટનાસ્થળેથી કબજે કર્યું હતું. એકટીવા માછીવાડમાં કહારવાડ ખાતે રહેતા કિરણ ઉર્ફે એન્ટીક પરમારે તેના બે મિત્રો સાથે કલરકામ અર્થે આપ્યું હોવાની માહિતી મળતા પોલીસે કિરણની ધરપકડ કરી હતી.

જ્યારે તેના મિત્રો કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તેઓ મોપેડની ચોરી કરી અલગ અલગ સ્થળે મુકી દીધા હતા. જ્યારે એકટીવા (નં. જીજે-21-એબી-2742)ની ચોરી કરનાર કિરણની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેણે તેના મિત્રો સાથે ચોરીની વધુ એક એકટીવા (નં. જીજે-21-એસી-4990) સેલવાસના સિદ્ધાર્થ કહારને વેચી હોવાનું કબૂલ્યું હતું. જેનો પોલીસે કબજો લીધો હતો. તેમણે 5 જેટલા મોપેડની ચોરીની કબૂલાત કરી હતી.

મોબાઈલ ચોરીમાં પણ સંડોવણી બહાર આવી 
કિરણ તથા તેના કાયદાના સંઘર્ષમાં આવતા મિત્રોએ મોપેડ ઉપરાંત મોબાઈલની પણ ચોરી કરી હતી અને તે મોબાઈલ કહારવાડના દીનમહંમદ ઈસ્માઈલ મેમણને વેચેલા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે રૂ. 25 હજારની કિંમતનો સફેદ-ગોલ્ડન કલરનો આઈફોન, 20 હજારની કિંમતનો આઈફોન 4એસ, કાળા કલરનો રૂ. 4 હજારનો આઈફોન-4, રૂ. 6 હજારનો સેમસંગ કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. 55 હજારના કુલ 4 મોબાઈલ કબજે લીધા હતા. પોલીસે દીનમહંમદ મેમણ પાસેથી રૂ. 55 હજારની કિંમતના 4 મોબાઈલ પોલીસે કબજે લીધા હતા.