27 April 2017

જૂનું ફાયર સ્ટેશન તોડી નવું બનાવાશે


નવસારીમાં રંગવિહારને અડીને આવેલા પાલિકાના ફાયર સ્ટેશનને તોડી નવુ ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે. નવસારી શહેરમાં રંગવિહારને અડીને રોટરી આઈ હોસ્પિટલ સામે પાલિકાનું ફાયર સ્ટેશન આવેલું છે. આ ફાયર સ્ટેશનના મકાનને 45 વર્ષ થઈ ગયા છે અને જર્જરિત થઈ રહ્યું છે.   વરસો સુધી શહેરમા આ એકમાત્ર ફાયર સ્ટેશન જ રહ્યું છે. જોકે હવે આ જર્જરિત ફાયર સ્ટેશનને તોડી નવું ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય પાલિકાએ લીધો છે.

નવસારી પાલિકાના ફાયર સ્ટેશનનું મકાન 45 વર્ષ જૂનું, રૂ. 1.88 કરોડનો ખર્ચ કરવામાં આવશે
મળતી માહિતી મુજબ આ નવુ ફાયર સ્ટેશનનું મકાન બનાવવાનો અંદાજ રૂ. 1.88 કરોડ આવ્યો છે. આગામી સમયમાં હાલનું મકાન તોડી નવુ મકાન બનાવવાની કામગીરી હાથ ધરાશે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં અગાઉ રંગવિહાર નજીકનું એક જ ફાયર સ્ટેશન હતું. તાજેતરમાં પાલિકાએ સાંઢકૂવા ગેટના સ્થળે તથા જલાલપોર વિસ્તારમાં એમ વધુ બે (કુલ ત્રણ થયા) ફાયર સ્ટેશનો બનાવ્યા છે. જેને લઈને પંથકમાં ફાયર સેફટીની સેવામાં વધારો થયો છે.