28 April 2017

હીરાની ફેકટરીમાંથી 20 લાખના હીરાની ચોરીની ફરિયાદ

નવસારી રેલવે સ્ટેશન પાસે સરદાર ટાઉનશીપ પાસે વિજલપોર રોડ ઉપર આવેલા ફેન્સી મેન્યુફેકચરિંગ એલએલપી યુનિટ-1માંથી અંદાજિત રૂ. 20 લાખની કિંમતના હિરા ગાયબ જણાતા યુનિટના મેનેજર યુનિટમાં કામ કરનારા આઠ જેટલા કર્મચારીઓ સામે શંકા દાખવી ટાઉન પોલીસ મથકમાં હિરા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીમાં તિઘરા રોડ પર હિમગીરી પેલેસમાં રહેતા પંકજભાઈ રમણભાઈ રાઠોડ છેલ્લા 17 વર્ષથી સરદાર ટાઉનશીપ પાસે વિજલપોર રોડ પર આવેલી ફેન્સી મેન્યુફેકચરિંગ એલએલપી યુનિટ-1મા મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ અગાઉ મુંબઈ મેઈન બ્રાંચમાં વહીવટી મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેમણે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના યુનિટમાં હિરાનું પ્રોસેસિંગ અને મેન્યુફેકચરિંગનુ કામ થાય છે. મુંબઈથી આવતો હિરાનો કાચો માલ એસોટિંગ કરી તેના ઉપર માર્કિંગ, પ્લાનિંગ, પ્લોટિંગ કરવામાં આવે છે. બીજા વિભાગમાં હિરાને ઘંટી ઉપર તૈયાર કરી પરત મેઈન ઓફિસ મુંબઈ મોકલવામાં આવે છે. આંગડીયા પેઢીમાં મુંબઈથી નવસારી હિરા આવે છે જે આંગડીયું કંપનીમાં ત્રણ વિભાગમાં સ્ટોલકિપર પાસે આવે છે ત્યાંથી વજનની ખાતરી કરી સ્ટોરકિપર અને ત્યાંથી સબસ્ટોરકિપરને પહોંચાડાય છે. એ પછી સ્ટોરકિપર સુપરવાઇઝર અને તેઓ કારીગરને આપે છે.

દરમિયાન ગત ૪ એપ્રિલે મુંબઈ અંધેરી બ્રાંચમાથી કાચા હિરાનું પાર્સલ આંગડીયા મારફત આવ્યું હતું. જેમાં ૭૦૦.૧૧ કેરેટ હિરાનો માલ હતો. જેને એરૂ સ્થિત બ્રાંચ યુનિટમાં દાસામાં આપતા અને તે પછી પુન: એલએલપી યુનિટ-1 માં આપતા વચ્ચે હિરામાં કુલ ૨૯૭.૯૧ કેરેટની ઘટ જણાઈ હતી. આથી રૂ. ૨૦ લાખની કિંમતના હિરા આ પ્રોસેસિંગ દરમિયાન ક્યા ગાયબ થઈ ગયા તે અંગે તપાસ કરવા છતાં કોઈ વિગત નહીં મળતા મેનેજર પંકજ રાઠોડે કંપનીના ૮ કર્મચારી સામે રૂ ૨૦ લાખના હિરાની ચોરી કે તેને ગાયબ કરી દેવાની શંકા વ્યક્ત કરતી ટાઉન પોલિસ મથકમાં ફરિયાદ આપતા પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.