29 April 2017

ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓને આખરે નાયબ મુખ્ય દંડકે પારણા કરાવ્યા


નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓના ભૂખ હડતાળના આજે નાયબ મુખ્ય દંડક અને જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર.સી. પટેલે પારણા કરાવ્યા હતા અને તમામને તેમણે આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી.

10 જેટલા ભૂખ હડતાળ કરી રહેલા વિદ્યાર્થીઓના પારણાં
નવસારી કૃષિ યુનિ. ખાતે ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છેલ્લા સાત દિવસથી આમરણાંત ભૂખ હડતાળ પર બેઠા હતા. તેઓ વન વિભાગની ભરતીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓને પણ નોકરીની તક મળે તેવી માગ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય તમામ વિદ્યાર્થીઓ પણ આંદોલનના માર્ગે છે અને અભ્યાસથી અળગા રહી વિરોધ કરી રહ્યા છે. જોકે આમરણાંત ભૂખ હડતાળના સાત દિવસ થયા બાદ આખરે નાયબ મુખ્ય દંડક અને જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. તેમને સરકાર તરફથી સધિયારો આપી જ્યુસ પીવડાવી તમામ 10 જેટલા ભૂખ હડતાળ કરી રહેલા વિદ્યાર્થીઓના પારણાં કરાવ્યા હતા.

વિદ્યાર્થીઓની માંગણીને વ્યાજબી ગણવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે 26મી એપ્રિલે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમની માંગણીને વ્યાજબી ગણવામાં આવી હતી. કૃષિ મંત્રી, વનમંત્રી, નાયબ મુખ્ય દંડક, યુનિ.ના કુલપતિ અને પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી થાય તેવા તમામ પ્રયાસો કર્યા હતા.