29 April 2017

નવસારીમાં જાહેર સ્થળોએ CCTVના માત્ર વાયદા

છેલ્લા બે વર્ષથીય  વધુ સમયથી નવસારી શહેરના જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવાના મુદ્દે અહીંની પાલિકા માત્ર વાયદા જ કરી રહી છે. બજેટમાં દર વરસે નાણાં ફાળવાય છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્વચ્છતા અને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. આ માટે અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. સરકારના સ્વચ્છતાની ઝૂંબેશ અંતર્ગત અહીંની નવસારી નગરપાલિકાએ પણ છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવા અનેક પગલાં પણ લીધા છે. આમ છતાં શહેરમાં અનેક સ્થળોએ (ખાસ કરીને જાહેર સ્થળોએ) ગંદકી જોવા મળી છે.

જાહેર સ્થળોએ ગંદકી રોકવા નગરપાલિકાએ સીસીટીવી મૂકવા બે વર્ષથી બજેટમાં રકમ ફાળવી હતી
લોકો સ્વયંશિસ્ત ન રાખી જાહેર સ્થળોએ કચરો નાંખતા જોવા મળે છે. આ બાબત ઉપર અંકુશ આવે તે માટે આજથી બે વર્ષ અગાઉ નવસારી નગરપાલિકાએ એક નિર્ણય લીધો હતો.આ નિર્ણય અંતર્ગત નવસારીના જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણયથી જાહેર સ્થળોએ કચરો ફેલાવતા લોકો સીસીટીવીને કારણે પકડાઈ જાય અને દંડિત થઈ શકે યા સીસીટીવીના ડરથી જાહેર સ્થળોએ કચરો નાંખવાથી જ દૂર રહે. જેથી જાહેર સ્થળો સ્વચ્છ રાખી શકાય. પાલિકા આ નિર્ણય અંતર્ગત છેલ્લા બે વર્ષથી અંદાજપત્રમાં નાણાંની ફાળવણી પણ કરી રહી છે.

સને 2015-16ના બજેટમાં 15 લાખ રૂપિયા અને 2016-17ના બજેટમાં પણ 15 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટમાં નાણાંની ફાળવણી કરી અને જાહેરાત કરી છતાં શહેરમાં જાહેર સ્થળોએ ગંદકી ન થાય તે માટે સીસીટીવી કેમેરા પાલિકા મુકી શકી નથી.  બે વર્ષ બજેટમાં નાણાં ફાળવાયા છતાં સીસીટીવી ન મુકાયા બાદ આગામી 2017-18ના વર્ષમાં પુન: રૂ. 25 લાખ સીસીટીવી માટે ફાળવાયા છે. અહીં પ્રશ્ન એ થાય છે કે શું વર્તમાન વર્ષે સીસીટીવી મુકાશે કે પછી અગાઉના બે વર્ષની જેમ વાયદા જ થશે.

કાયદો વ્યવસ્થા માટે પણ ફાયદાકારક
નવસારીમાં જાહેર સ્થળોએ સીસીટીવી મુકવાની જાહેરાત પાલિકાએ કરી છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થાય તે માટે પોલીસ વિભાગે પણ પ્રયત્નો કર્યા હતા. ત્રણ-ચાર વર્ષ અગાઉ નવસારીમાં ડીવાયએસપી તરીકે એમ.એ. ચૌહાણ હતા ત્યારે તેમણે જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા પ્રયત્નો કર્યા હતા. લોકભાગીદારી માટે પ્રયત્નો પણ કર્યા હતા. જોકે તેમના ગયા બાદ આ બાબતે ખાસ કંઈ થયુ નથી.

આગામી સમયમાં સીસીટીવી કાર્યાન્વિત કરીશુ
જાહેર સ્થળોએ ગંદકી ન થાય માટે સીસીટીવી માટે અગાઉ સરવે થયેલો અને ભાવ મંગાવાયા હતા પરંતુ કામ પાર પડ્યું થયું ન હતું. આગામી સમયમાં સીસીટીવી કાર્યાન્વિત કરીશું. -  રાજુભાઈ પટેલ, ચેરમેન  સેનેટરી કમિટી