30 April 2017

નવસારી નગરપાલિકાની સામાન્ય સભા સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા, સભ્યો ઉગ્ર બન્યા


નવસારી નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે થયેલી શાબ્દિક ટીપ્પણી બાદ ઉગ્ર બની ગઈ હતી. વિપક્ષના એક સભ્યને સભામાંથી બરતરફ કરાતા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકા સભાખંડમાં સાંજે 4.30 કલાકે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમની સાથે પાલિકા ચીફ ઓફિસર રમેશભાઈ જોષી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં શહીદોને તથા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દરમિયાન પાલિકાના એજન્ડા પરના કામોની શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ પાલિકાના વિપક્ષ (કોંગ્રેસ)ના સભ્ય મેહુલ ટેલર અને શાસક પક્ષના જયંતિભાઈ ગોપાણી વચ્ચે શાબ્દિક ટીપ્પણી થઈ હતી.

નવસારી પાલિકાની સામાન્ય સભામાં પોણો કલાક હાઈવોલ્ટેજ ડ્રામા
મેહુલ ટેલરે ડ્રેનેજ લાઈન સંદર્ભે થતી ચર્ચા દરમિયાન અચાનક શાસક પક્ષના જયંતિભાઈ ગોપાણી સામે પોતાનો વિકાસ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. સામે ગોપાણીએ પણ સવારથી જ પૈસા શોધતો ફરે છે તેવી ટીપ્પણી મેહુલ ટેલર સામે કરી હતી. જેના પગલે મામલો ગરમાયો હતો. જોકે એ દરમિયાન શાસક પક્ષના તમામ સભ્યો એકજૂથ થઈ ગયા હતા અને મેહુલ ટેલરે વાપરેલા શબ્દો પાછા ખેંચવા ઉગ્ર રજૂઆતો કરી હતી. સામે વિપક્ષના સભ્યોએ પણ ઉગ્રતા દાખવતા પાલિકાની સામાન્ય સભામાં એકબીજા સામે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. જેને લઈને સામાન્ય સભાની કાર્યવાહી પર બ્રેક લાગી ગઈ હતી. સામાન્ય સભામાં તમામ શાસક અને વિપક્ષ સભ્યો પાલિકા પ્રમુખના ટેબલ પાસે ધસી ગયા હતા.

શાસક પક્ષે મેહુલ ટેલરને પોતાના શબ્દો પાછા ખેંચવાની માગ કરી હતી તો સામે વિપક્ષે પણ જયંતિ ગોપાણીને આવુ કૃત્ય નહીં કરવા જણાવ્યું હતું. જોકે વાતાવરણ ઉગ્ર બની જતા સભાની કામગીરી ઠપ થઈ જતા આખરે શાસકમાં હિમંતભાઈએ વિરોધ પક્ષના મેહુલ ટેલર સામે બરતરફ (સસ્પેન્ડ) કરવાની દરખાસ્ત મુકી હતી. વિરોધ પક્ષના અગ્રણી ઈકબાલ ઉસ્માની શાસક પક્ષના જયંતિભાઈ ગોપાણી સામે બરતરફની દરખાસ્ત કરતા મામલો પાલિકા પ્રમુખ પાસે પહોંચ્યો હતો.

 પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ સૌ પ્રથમ વિપક્ષના સભ્ય મેહુલ ટેલરને અસભ્ય વર્તન કરવા બદલ સભા છોડી બહાર જવાની તાકિદ કરી હતી પરંતુ લાંબા સમય સુધી આ બાબતની કોઈ અસર નહીં જણાતા પાલિકા પ્રમુખે ફાયરબ્રિગેડના લાશ્કરોને મેહુલ ટેલરને બહાર લઈ જવા સૂચના આપી હતી. જેથી લાશ્કરોએ મેહુલ ટેલરને ખુરશી સાથે ઉંચકી સભાખંડમાંથી બહાર લઈ ગયા હતા. જેનો કોંગ્રેસના તમામ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજેપીની હાય હાયના સૂત્રોચ્ચાર સાથે સભાખંડ ગૂંજી ઉઠ્યો હતો.

સભામાં બંને પક્ષના સભ્યો ઝપાઝપી સુધી આવી ગયા
નવસારી નગરપાલિકાની સામાન્ય સભા આજે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈના કાબૂથી બહાર જતી રહી હતી. શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યો તેમના ટેબલ સુધી પહોંચી ગયા હતા અને તેમની વાતો સાંભળવાની જગ્યાએ માત્ર ઉગ્ર રજૂઆતોમાં રચ્યાપચ્યા બની જતા સભ્યોએ પણ પોતાની હોદ્દાની ગરિમાને જાળવી ન હતી.  નવસારી પાલિકાની સામાન્ય સભાની શરૂઆત શાંતિપૂર્ણ માહોલમાં થયા પછી વિપક્ષના મેહુલ ટેલર અને શાસક પક્ષના જયંતિભાઈ ગોપાણી વચ્ચે થયેલી શાબ્દિક ટીપ્પણીને કારણે બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. એક તબક્કે સભ્યો પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ સુધી પહોંચીને ઉગ્ર રજૂઆતો કરવા લાગ્યા હતા. એ દરમિયાન વિપક્ષના પિયુષ ઢીમ્મર અને શાસક પક્ષના સભ્ય આસીત રાંદેરવાલા એકબીજા સાથે બાખડી પડ્યા હતા. જેના પગલે બંને વચ્ચે ઝપાઝપી થઈ જાય તેવું વાતાવરણ ઉભુ થઈ ગયું હતું.