3 May 2017

દુધિયા તળાવના નવા પ્રોજેકટ માટે સારા બ્લોક ઉખેડી નવા નંખાશે


નવસારી શહેરમાં દુધિયા તળાવના આગવી ઓળખના પ્રોજેકટ માટે તળાવની ફરતેના સારા બ્લોક ઉખેડી નંખાયા છે. તળાવ ફરતે 1.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ફરવા લાયક સ્થળ બનાવાશે.

નવસારી શહેરની મધ્યે આવેલા દુધિયા તળાવની ફરતે નગરપાલિકાએ રબર મોલ્ડના સારી ક્વોલિટીના બ્લોક નાંખ્યા છે. બ્લોક હજુ પણ સારી ક્વોલિટીમાં છે અને બ્લોકપેવિંગનો ફૂટપાથ તરીકે ઉપયોગ કરી લોકો વોક-વે પણ બનાવ્યો છે. સારી કવોલિટીના બ્લોકોને હાલમાં ઉખેડી નાંખવામાં આવ્યા છે. સારા બ્લોકો ઉખેડી નંખાતા સવાલો ઉભા થયા છે.

અંગે નગરપાલિકામાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે દુધિયા તળાવ ફરતે આગવી ઓળખનો પ્રોજેકટ થઈ રહ્યો છે. અંદાજે 1.50 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આકાર લેનાર પ્રોજેકટ માટે હાલના બ્લોક ઉખેડવામાં આવ્યા છે. એમ પણ જણાવાય છે કે નવા પ્રોજેકટમાં હાલના બ્લોકથીય સારા બ્લોક નંખાશે ! જ્યાં સારા બ્લોક ઉખેડી નંખાયા છે ત્યાં બીજો સવાલ પણ ઉભો થયો છે કે ઉખેડવામાં આવેલા સારા બ્લોકનો પુન: ઉપયોગ થશે કે કેમ અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં જૂના ઉખેડવામાં આવેલા બ્લોકના ઉપયોગને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં વિપક્ષ દ્વારા કલેકટરમાં રજૂઆત કરાતા કલેકટરાલય (ડીએમઓ)માંથી પાલિકા પાસે ખુલાસો પણ મંગાયો છે.