5 May 2017

નવસારી પાલિકાને દિલ્હીમાં મળેલો સ્વચ્છતાનો એવોર્ડ


સમગ્ર પશ્ચિમ ભારતમાં (2 લાખથી ઓછી વસતિવાળા શહેરોમાં) સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારીને પ્રથમ નંબર કેન્દ્ર સરકારે પ્રદાન કર્યો છે. દિલ્હીમાં ગુરૂવારે કન્દ્રીય મંત્રીએ એવોર્ડ આપ્યો.

દેશના શહેરો સરકારના સ્વચ્છ ભારત મિશનમાં સક્રિયતાપૂર્ણ ભાગ લે તે માટે સ્વચ્છતા સર્વેક્ષણની હરિફાઈ હાથ ધરવામાં આવી હતી. હરિફાઈ અંતર્ગત માર્કિંગના ધારાધોરણ નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેમાં 45 ટકાનું ભારણ જાહેરમાં શૌચક્રિયાની સ્થિતિ, 30 ટકાનું ભારત શહેરના નાગરિકોની સ્વચ્છતા અંગેની પાર્ટીસિપેશન (સક્રિયતા) અને 25 ટકાનું ભારણ એક નિમાયેલી ટીમના નિરીક્ષણનું નિર્ધારીત કરાયું હતુ. તમામ બાબતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે સ્વચ્છતાની બાબતમાં આજે 4થી મેએ દિલ્હીમાં એવોર્ડની જાહેરાત કરી હતી.

એવોર્ડની જે જાહેરાત કરાઈ તેમાં ગુજરાત નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં 2 લાખથી ઓછી વસતિવાળા શહેરોમાં નવસારીને સ્વચ્છતામાં પ્રથમ નંબર જાહેર કર્યો છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. સમગ્ર દેશના તમામ શહેરોમાં (જેમાં મોટી મહાપાલિકાવાળા શહેરો સહિત) નવસારીનો 25મો નંબર આવ્યો છે. આજે ગુરૂવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે એવોર્ડનો સ્વીકાર નવસારી પાલિકા તરફથી પ્રમુખ અલકાબેન દેસાઈ, ચીફ ઓફિસર રમેશ જોષી, સિટી ઈજનેર રાજુ ગુપ્તા, કોર્પોરેટર અનિતાબેન મકવાણાએ સ્વીકાર કર્યો હતો. નવસારીનો સ્વચ્છતામાં અવ્વલ નંબર આવતા પાલિકા નહીં શહેરભરમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી શહેર એ ગાયકવાડી સમયનું આયોજનબદ્ધ વિકાસ પામેલ શહેર છે. નવસારી એ સમગ્ર ચોખ્ખુ શહેર તો કહી ન શકાય પરંતુ અન્ય નાના શહેરોની સરખામણીમાં અહીં સ્વચ્છતા પ્રમાણમાં બેશક સારી છે અને એવોર્ડ પણ એનો જ મળ્યો છે.

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ નવસારીને મળેલા એવોર્ડ માટે પાલિકાના પદાધિકારી, કર્મચારીગણ તથા તમામ શહેરીજનોને આ માટે જશ આપી લોકોનો આભાર પણ માન્યો છે.

એવોર્ડ માટે સ્વચ્છતાના માપદંડોમાં નવસારી શહેરની ખાસિયતો

  • સમગ્ર શહેર જાહેરમાં શૌચક્રિયા મુક્ત 
  • 100 ટકા શહેરમાં કચરાનું ડોર ટુ ડોર કલેકશન 
  • કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલની શરૂઆત (પ્રાથમિક કક્ષાએ)
  • કોમર્શિયલ વિસ્તારમાં દિવસમાં બે વખત અને રહેણાંક વિસ્તારમાં એક વખત સફાઈ કામગીરી
  • કોમર્શિયલ વિસ્તારમાં થોડા થોડા અંતરે કચરા માટે ડસ્ટબીન
  • લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ આણવા શહેરભરમાં પોસ્ટરો, બેનરો અને હોર્ડિંગ્સ
  • સફાઈની કામગીરી પાછળ પાલિકાનો વરસે કરોડો ખર્ચ