7 May 2017

આંદોલનકારી છાત્રોનો ખુલ્લામાં રાતવાસો, વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ


નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર રાત્રિ રોકાણ કરવાનો વારો આવ્યો હોવા છતાં અને આ ઘટનાને બીજો દિવસ થવા છતાં કોઈ પણ રાજકીય અગ્રણીઓ કે અધિકારીઓએ વિદ્યાર્થીઓની ચિંતા સુદ્ધાં દર્શાવી નથી ત્યારે મહિલા સશક્તિકરણ અને ગતિશીલ ગુજરાતની વાતો કરનાર તેમજ સંવેદનશીલ સરકારનો દાવો કરતી સરકાર વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે. રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી વસાવા સહિત મંત્રીઓ, અધિકારીઓ સાથે અવારનવાર ચર્ચા અને તે પછી કમિટીની રચના કરી નવસારી યુનિ.ના વિદ્યાર્થીઓની વન વિભાગમાં નોકરી આપવામાં આવે તેવી કેટલીક માગણીઓ સંતોષાય તે માટેના પ્રયાસો કરાયા હતા.

નવસારી યુનિ.ના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓને આ માંગણીઓની બાબતને લઈ આંદોલનના આજે 44 દિવસ વિતી ગયા હોવા છતાં તેમને હજી સુધી ન્યાય મળ્યો નથી. ન્યાયની અપેક્ષાએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા આ વિદ્યાર્થીઓને હવે હોસ્ટેલમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા છે અને તેઓ હવે રોડ પર આવી ગયા છે. અગાઉ જ્યારે આ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનો સહારો લીધો હતો અને આંદોલનને વેગવાન બનાવ્યું હતું ત્યારે મુખ્ય ઉપદંડક આર.સી. પટેલ (ધારાસભ્ય)એ તેમને પારણા કરાવી વિશ્વાસ અપાવ્યો હતો અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવા પ્રયાસો કરવા ખાતરી આપી હતી.

હવે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી પણ બહાર નીકળવાની નોબત આવી હોવા છતાં કોઈ રાજકીય અગ્રણી કે અધિકારીઓ વિદ્યાર્થીઓને પૃચ્છા કરવા ગયા નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ રાજકીય આગેવાનો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી શક્યતા છે. પોતાના સ્વાર્થ ખાતર અને છબી ન બગડે તે માટે આંદોલન કરનારા વિદ્યાર્થીઓને સમજાવી લેવાયા હતા પરંતુ તે પછી કોઈએ પણ તેમના તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેમને ન્યાય અપાવવા આગળ પડીને પૃચ્છા કરવા ગયું નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. કોલેજની સામે ટેન્ટ લગાવીને વિદ્યાર્થીઓએ રાત વિતાવી હતી. ત્રીજા દિવસે આ ઘટના પછી પણ તેઓ જૈસે થે ની સ્થિતિમાં જ છે. જેના કારણે દિવસે દિવસે વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપી રહ્યો છે. જો વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં નહીં લેવાય તો યુનિ.ના અન્ય વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાઈને મોટું આંદોલનને સ્વરૂપ આપે તેવી શક્યતા છે.