8 May 2017

વિજલપોરમાં રાષ્ટ્ર રક્ષક માનસ રામકથામાં શહીદોના પરિવારોને ૭.૫૦ લાખની સહાય


વિજલપોર શહેરમાં હનુમંત ટ્રસ્ટ દ્વારા ભારતની રક્ષા કાજે શહીદ થનારા જવાનોની શહાદતને બિરદાવવા તેમજ શહીદોના પરિવારજનોને આર્થિક સહાય થાય, એ હેતુથી રાષ્ટ્ર રક્ષક માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સાતમા દિવસે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના ૧૦ શહીદોના પરિવારજનોએ પોતાના સ્વજનની શહીદીને ગર્વભેર રજૂ કરતા તેમની આંખો આંસુથી છલકાતા વાતાવરણ લાગણીશીલ બન્યું હતું.  જ્યારે સભામાં હાજર લોકોની પણ આંખો ભીંજાઇ હતી.

રામકથાના ૭ દિવસો દરમિયાન આયોજકો દ્વારા દાતાઓના સહયોગથી ૭.૫૦ લાખ રૃપિયા ભેગા કરવામાં આવ્યા હતા, જેને ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના બિજલભાઇ સોલંકી, દ્વારકાના દિલીપભાઇ નકુમ, સાબરકાંઠાના સુનીલકુમાર પટેલ, અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા, સાબરકાંઠાના કાવાજી બોદર, સુશીલકુમાર કલવાસા અને ધર્મેન્દ્રકુમાર ભગોરા, સુરેન્દ્રનગરના તુષારભાઇ પટેલ, અમરેલીના ભાવેશભાઇ રાખસિયા અને ભાવનગરના દેવાભાઇ પરમાર, ૧૦ શહીદ જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરાયું હતું. રવિવારે કથાના વક્તા ડો. દિલીપબાપુ તેમજ સુરતના મહેશ સવાણી, કૃષિ વિજ્ઞાાન કેન્દ્રના ડો. સી. કે. ટીંબડિયા સહિતના મહાનુભાવોના હસ્તે શહીદોના પરિવારજનોને ૭૫ હજાર રુપિયાનો ચેક, સન્માનપત્ર અને સ્મૃતિભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ તકે કથાકાર ડો. દિલીપબાપુએ લંકા કાંડ વર્ણવતા કહ્યું હતું કે, સંત, ભક્ત અને શૂરવીર મોતથી ન ડરે. બાપુએ શહીદોને સંત ગણાવ્યા હતા. યુદ્ધએ ભારતનો યજ્ઞા છે. સૈનિકો પોતાના જીવથી માતૃભૂમિ માટે યજ્ઞાકાર્યમાં આહુતિ આપે છે.