8 May 2017

નવસારી જિલ્લાની ખાનગી શાળાઓમાં ભણતા બાળકોના વાલી લૂંટાતા જ રહેશે !

ગુજરાત સરકાર દ્વારા આગામી જુન મહિનાથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર માટે રાજ્યભરની ખાનગી શાળાઓની ફી નિર્ધારીત કરી દીધી છે. તેમ છતાં નવસારી જિલ્લાની ખાનગી શાળાઓમાં ફી વધારો થાય અથવા કેટલીક શાળાઓની ફી યથાવત રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં અગાઉ ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે કાયદાની ભાષામાં કોઇ માપદંડો ન હોવાથી ખાનગી શાળાના સંચાલક મંડળો દ્વારા મનફાવે એમ શાળાની સુવિધાઓ બતાવી ફી લેવાતી હતી. પરંતુ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણ ખરડો પસાર કરી ફીની મર્યાદા નક્કી કરી છે. જોકે શાળા સંચાલકોના ઉગ્ર વિરોધના પરિણામે સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે રાજ્યમાં ચાર ઝોન બનાવી ફી નિર્ધારણ સમિતિની રચના કરાઈ છે. જેમાં સુરત ઝોનમાં નવસારી સહિતના સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આગામી ૨૪મી મે સુધીમાં નવસારી જિલ્લાની ૧૪૬ ખાનગી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાની શાળાની રજેરજની વિગતો સહિત કયા પ્રકારે કઇ ફી લેવામાં આવે છે એની વિસ્તૃત માહિતી સાથેના ફોર્મ ભરીને મોકલવાના છે. ત્યારબાદ સમિતિ શાળાઓ તરફથી મળેલા ફોર્મની સ્ક્રુટીની કરી ફી નિર્ધારીત કરશે. જેમાં અંદાજે ૧૦ થી વધુ માપદંડોને ધ્યાને રાખવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ તેમજ સહઅભ્યાસક્રમોની ફીને પણ ધ્યાને લેવામાં આવશે. જેથી શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ પ્રવેશ ફી, સત્ર ફી, ટયુશન ફી, પરીક્ષા ફી સહિત યોગા ફી, પી.ટી. ફી, લેબોરેટરી ફી, લાયબ્રેરી ફી, ટ્રાન્સપોટેશન ફી, કોમ્પ્યુટર ફી, એક્ટીવીટી ફી, જીમખાના ફી, નાસ્તો અને લંચ ફી જેવી વિવિધ પ્રકારની ફીને પણ ધ્યાને લેવામાં આવશે એવુ નવસારી જિલ્લા શિક્ષણ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. જેના કારણે નવસારી જિલ્લામાં સરકાર દ્વારા મર્યાદીત કરાયેલી ૧૫ હજાર, ૨૫ હજાર અને ૨૭ હજારની ફી કરતા પણ સંચાલકોને સુવિધાઓ અને સહ અભ્યાસક્રમો અને પ્રવૃત્તિઓના નામે વધુ ફી લેવાની છૂટ મળી શકે એવી સંભાવના વર્તાઇ રહી છે.