9 May 2017

ખાતમુહૂર્તમાં પાર્કિંગનો નક્શો માંગતાં બખેડો


નવસારી પાલિકાની નવી શાકમાર્કેટના ખાતમુહૂર્તમાં પાર્કિંગ રાખવાના મામલે બખેડો થયો હતો. એડવોકેટ કનુભાઈ સુખડીયાએ પાર્કિંગ રાખવામાં આવ્યું કે નહીં તે મુદ્દો ઉઠાવી નકશો જોવા માંગવાની જીદ પકડતા રીતસર અફરાતફરી મચી ગઈ હતી. નવસારી શહેરના પશ્ચિમ વિભાગે સહકારી જીન નજીક પાલિકાનું શાકમાર્કેટ-શોપિંગ સેન્ટર હતું. એ વર્ષો પુરાણુ હોય તેને તોડી પાડી પાલિકાએ નવું માર્કેટ અને સાથે જીમ્નેશિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો. અંદાજે 1.72 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા માર્કેટ-જીમ્નેશિયમનું ખાતમુહૂર્ત આજે સોમવારે ધારાસભ્ય પિયુષ દેસાઈની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું.

શહેરના પશ્ચિમ વિભાગમાં સહકારી જિન નજીક પાલિકાનું શાકમાર્કેટ-શોપિંગ સેન્ટર બનાવાશે
ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ થતા જ સ્થળ ઉપર ઉપસ્થિત એડવોકેટ કનુભાઈ સુખડીયાએ નવા બનનારી માર્કેટમાં પાર્કિંગનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. તેમણે કહ્યું કે નવા માર્કેટમાં પાર્કિંગ ક્યાં કરવાનું પાર્કિંગ રાખ્યું હોય તો મને નકશો બતાવો ! કનુભાઈએ પાર્કિંગનો મુદ્દો પકડી જ રાખતા સભામાં એકવખત તો અફરાતફરી મચી ગઈ હતી. પાલિકા સભ્ય ભૂપત દૂધાત સાથે તે કનુભાઈની હૂંસાતૂંસી પણ થઈ હતી.

મામલો ઠંડો કરવા અને કનુભાઈને સમજાવવા ધારાસભ્ય, પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડા વગેરેએ પણ પ્રયાસો કર્યા હતા. ખાસ્સો સમય વાતાવરણ ગરમ રહ્યું હતું. અંતે ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ માર્કેટમાં પાર્કિંગ રખાશે જ એવો સધિયારો પણ આપ્યો હતો. આ પ્રશ્ને કનુભાઈ સુખડીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે માર્કેટમાં પાર્કિંગ ન હોવાની સ્થિતિમાં ઉભી થનારી સમસ્યા અંગે ધ્યાન દોર્યું હતું. જે રીતે માર્કેટના આયોજનની વાત કરાઈ છે, પાર્કિંગ રખાયું હોય તેમ લાગતું નથી. પાલિકા સત્તાધીશો મને માર્કેટનો નકશો પણ બતાવી શક્યા ન હતા.   બીજી તરફ નવસારી પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે નવી માર્કેટમાં પાર્કિંગ અંગેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

નવસારી પાલિકાની બીજી નવી માર્કેટનું ખાતમુહૂર્ત ક્યારે ?
નવસારીમાં પાલિકાએ બે જૂની માર્કેટો તોડી નવી બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં સ્ટેશન વિસ્તારની માર્કેટને તો તોડી પાડી પાલિકાએ નવી માર્કેટ બનાવવાનું ખાતમુહૂર્ત પણ આજે સોમવારે કરી દીધુ હતું. જ્યારે બીજી જર્જરિત માર્કેટ પાંચહાટડી સ્થિત દાદાભાઈ નવરોજી માર્કેટને હજુ પાલિકા તોડી ન શકતા અહીં નવી માર્કેટનું આયોજન કરી શકાયું નથી. મળતી માહિતી મુજબ આ દાદાભાઈ નવરોજી માર્કેટને તોડવા માટે પાલિકા ત્યાંના વેપારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય કરી શકી નથી.