12 May 2017

કેન્સરના કારણે દુનિયાને અલવિદા કરનાર રિંકલે 405 માર્કસ મેળવ્યા

જલાલપોરના પાઘડાળ પરિવારની દીકરી રિંકલે હાડકાના કેન્સર જેવી ગંભીર બિમારી સામે અડીખમ ઝઝુમીને ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપી હતી. તેની ભણવાની અદમ્ય ઈચ્છા શક્તિ થકી જ તે સારવાર દરમિયાન પણ પરીક્ષા આપતી રહી હતી. તેણે પોતાના ધ્યેયને સિદ્ધ કરે તે પહેલા જ તેણે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. આજે ધો. 12ની સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ, જેમાં તેણે 405 ગુણ મેળવ્યા હતા.

રિંકલે ગત મહિનાની 20મીએ આખરી શ્વાસ લીધા હતા
જલાલપોરમાં રહેતા વિઠ્ઠલભાઈ પાઘડાળના બે સંતાન પૈકી નાની દીકરી રિંકલ ભણવામાં હોંશિયાર રિંકલે ધો. 10માં 94 ટકા મેળવી ડિવાઈન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. રિંકલ ધો. 10ની પરીક્ષા પછી તે ગંભીર બિમારીમાં ફસડાઈ હતી. રિંકલે ભણવાની તીવ્ર ઈચ્છા શક્તિને આગળ ધપાવી હતી. તેણે બોર્ડની પરીક્ષા ચાલુ સારવારે આપી હતી. જોકે પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ ગત માસની 20મીએ તેણે ફાની દુનિયાને અલવિદા કરી હતી.

રિંકલ છેલ્લે સુધી અભ્યાસ કરવાની જીદમાં રહી
જ્યારે તેને જીવલેણ બિમારીનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે હિંમત હારી ન હતી. તેણે જુસ્સાભેર ધો. 12ની પણ પરીક્ષા આપી હતી. તેનું આજે સફળ પરિણામ છે. જીવલેણ બિમારીને તેની હિંમતે માત આપી હતી. તેની ઈચ્છા ભણવાની હતી અને તેથી જ તેને ભણાવી હતી. - વિઠ્ઠલભાઈ પાઘડાળ (રિંકલના પિતા)