12 May 2017

નવસારીમાં ધો. 12 સાયન્સનું 70.57 ટકા પરિણામ, 23 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધો. 12 (ચોથા સેમેસ્ટર) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં નવસારી જિલ્લાનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહ બોર્ડનું પરિણામ 70.57 ટકા રહ્યું હતું, જ્યારે બોર્ડનું પરિણામ 81.89 ટકા નોંધાયું હતું. છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ ધો. 12 વિજ્ઞાનપ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોતા હતા.

ધો. 12ની વિજ્ઞાન પ્રવાહનું વેબસાઈટ ઉપર પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તેમની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કર્યું હતું. જેના પગલે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. નવસારી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ધો. 12ની વિજ્ઞાન પ્રવાહ (સેમેસ્ટર-4)માં કુલ 5310 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 5219 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

179 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો
તેમાંથી 3683 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ રહ્યા હતા. 1538 વિદ્યાર્થીઓ નિષ્ફળ રહેતા જિલ્લાનું બોર્ડનું પરિણામ 70.57 ટકા રહ્યું હતું. જિલ્લામાં કુલ 23 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. 179 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. બી-1 ગ્રેડમાં 303, બી-2માં 552, સી-1માં 885 અને સી-2માં 1336 વિદ્યાર્થીઓ ડીમાં 405 અને ઈ-1માં 1 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

નવસારી કેન્દ્રનું સૌથી ઉંચુ 78.21 ટકા પરિણામ
નવસારી જિલ્લામાં કેન્દ્રની વાત કરીએ તો સૌથી ઉંચુ પરિણામ નવસારી કેન્દ્રનું 78.21 ટકા રહ્યું હતું. જ્યારે સૌથી નીચું પરિણામ ચીખલી કેન્દ્રનું 63.44 ટકા રહ્યું હતું. નવસારી કેન્દ્રમાંથી કુલ 2001 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1964 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાથી 1536 વિદ્યાર્થી પાસ થયા હતા. વાંસદા કેન્દ્રમાંથી 561 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 545 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 368 વિદ્યાર્થી પાસ અને 177 નિષ્ફળ રહ્યા હતા.

574 વિદ્યાર્થી નાપાસ થતા કેન્દ્રનું પરિણામ 63.44 ટકા
કેન્દ્રનું પરિણામ 67.52 ટકા રહ્યું હતું. ચીખલી કેન્દ્રમાંથી 1594 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંના 1570 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 996 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 574 વિદ્યાર્થી નાપાસ થતા કેન્દ્રનું પરિણામ 63.44 ટકા રહ્યું હતું. જ્યારે બીલીમોરા કેન્દ્રમાં 1154 વિદ્યાર્થી નોંધાયા હતા. તેમાથી 1140 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 783 પાસ થયા હતા અને 357 નાપાસ થતા કેન્દ્રનું પરિણામ 68.68 ટકા રહ્યું હતું.