13 May 2017

નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓ માસ CL ઉપર


નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓએ સાતમા પગારપંચના મુદ્દે શુક્રવારે માસ સીએલ મુકી રજા ઉપર ઉતરી જતા પાલિકાનું કામકાજ સાધારણ ખોરવાયું હતું.

નવસારી નગરપાલિકાના કર્મચારીઓને હજુ સુધી સાતમા પગારપંચનો લાભ મળતા આંદોલન શરૂ કર્યું છે અને તબક્કાવાર કાર્યક્રમો અપાઈ રહ્યા છે.

આ આંદોલનમાં નવસારી પાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે. બે દિવસ અગાઉ જ નવસારી પાલિકાના કર્મચારીઓએ સરકારને પોતાની માંગ સંદર્ભે એક આવેદનપત્ર આપ્યું હતું. આજે શુક્રવારે વધુ એક કાર્યક્રમ આપ્યો હતો.

પાલિકામાં કામ કરતા કાયમી કર્મચારીઓએ આજે શુક્રવારે માસ સીએલ મુકી દીધી હતી. ઓફિસમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ રજા ઉપર જતા ખાસ કરીને કચેરીનું કામકાજ ખોરવાઈ ગયું હતું.

જોકે માસ સીએલના કાર્યક્રમમાં આવશ્યક સેવામાં કામ કરતા કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓ જોડાયા ન હતા. જેને લઈને કચેરીમાં કેટલુક કામ જારી રહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી નજીકની વિજલપોર પાલિકાના કર્મચારીઓએ માસ સીએલનો કાર્યક્રમ આપ્યો ન હતો. તેઓ પાલિકા કર્મચારીઓના અન્ય સંગઠન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓએ માસ સીએલનો કાર્યક્રમ આપતા શુક્રવારે કચેરીમાં હાજરી ઓછી દેખાઈ હતી.