16 May 2017

રેન્સમવેર વાઈરસથી સૌથી મોટો સાઈબર હુમલો નવસારીમાં, 82 કમ્પ્યૂટર હેક


રેન્સમવેર વાઈરસની અસર નવસારી જિલ્લાની સરકારી કચેરીના 82 જેટલા કમ્પ્યૂટરને થઈ હતી. રેન્સમવેર વાઈરસથી સૌથી મોટો સાઈબર હુમલો થયો છે. આ સાઈબર હુમલાથી નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો ન હતો. અુક જાણકારી મુજબ નવસારી જિલ્લના સૌથી વધુ 82 કમ્પ્યૂટર હેક હતા. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ સાઈબર હુમલાની અસર આમ તો શુક્રવારે રાતથી જ હતી પરંતુ શનિવાર અને રવિવાર બે દિવસ જાહેર રજા હોઈ લોકોને અસર થઈ ન હતી.

સરકારી કચેરીઓને અસર, સાઈબર હુમલાને કારણે અનેક સરકારી કામકાજ ખોરવાતા લોકો અટવાયા
આજે સોમવારે સરકારી કચેરી ખુલતાની સાથે જ અનેક કમ્પ્યૂટરોને વાઈરસ ભરખી ગયો હતો અને ડેટા કરપ્ટ થયા હતા. જલાલપોર મામલતદાર કચેરી, નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરી સહિત જિલ્લાની કચેરીના અનેક કમ્પ્યૂટરો રૂટિન મુજબ કાર્યરત થયા ન હતા. વાઈરસને કારણે કમ્પ્યૂટરની કામગીરી ન થતા  કચેરીમાં વિવિધ દાખલા આપવાની કામગરી સહિત અનેક કામગીરી થઈ શકી ન હતી. લોકો સમયસર દાખલા ન મળતા નિરાશ થયા હતા.

વાઈરસને કારણે અસર પામેલા કમ્પ્યૂટરોને કાર્યરત કરવા સરકારી તંત્ર દોડતુ થઈ ગયું હતું. એવી પણ જાણકારી બહાર આવી કે જ્યાં એન્ટી વાઈરસ સિસ્ટમ સારી હતી ત્યાં ખાસ અસર થઈ ન હતી. આ અંગે નવસારી જિલ્લા કલેકટર કચેરી સ્થિત નેટવર્ક ઈજનેર અમીરસ પટેલે જણાવ્યું કે પોલીસ વિભાગ સહિત જિલ્લામાં અમે પ્રાપ્ત કરેલી માહિતી મુજબ વાઈરસથી 82 કમ્પ્યૂટરને અસર થઈ હતી.  જોકે અસરગ્રસ્ત મહત્તમ કમ્પ્યૂટરોને પુન: કાર્યરત કરવામાં સફળ પણ થયા છે. બાકીના કેટલાક પણ કાર્યરત થઈ જશે.

નવસારી જિલ્લા પોલીસના 11 કમ્પ્યૂટરોને વાઈરસની અસર
12મી મેના રોજ આશરે સાંજે 7 કલાકે નવસારી એસપી કચેરી ઓનલાઈન કામગીરી દરમિયાન ચાલુ કમ્પ્યૂટરમાં ડેસ્કટોપ પર એક લીંક આવેલી અને 300 ડોલર કોઈનની માગણી અંગેનો તારીખ અને સમય સાથેનો મેસેજ જોવા મળેલી અને ત્યારબાદ વર્ડ, એક્સેલ વગેરે જેવી ફાઈલો ઈક્રીપ્ટેડ થયેલી જોવા મળેલી (ફાઈલો ખોલવી નહીં) જેથી તાત્કાલિક એસ.સી.આર.બી. ગાંધીનગર હેલ્પડેસ્કનો સંપર્ક કરતા તેઓ દ્વારા એસપી કચેરીનું કમ્પ્યૂટર રિમોટથી લઈ તેઓએ કમ્પ્યૂટર જોતા તાત્કાલિક તમામ જીસ્વાન કેબલ કઢાવી નાંખવા જણાવેલું તે મુજબ અત્રેથી તમામ નવસારી એસપી કચેરી, પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવેલા અને નેટવર્ક તમામ કેબલો દૂર કરવામાં આવ્યા હતા.

આમ ઉપરોક્ત રેન્સમવેર વાઈરસના લીધે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, બ્રાંચ મળી કુલ 11 જેટલા કમ્પ્યૂટરને સદર વાઈરસથી ઈફેકટેડ થયા છે તે તમામ કમ્પ્યૂટરોના ટ્રેન્ડ માઈક્રો ઓફિસ સ્કેન એન્ટીવાઈરસ નાંખવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી ઉપરી કચેરી તેમજ જીસ્વાન કંટ્રોલરૂમ દ્વારા મળતી સૂચના મુજબ કરવામાં આવી રહી છે.