17 May 2017

24.98 લાખની જૂની નોટો સાથે 3 ઝડપાયા


નવસારી એસઓજીની ટીમે તીઘરા લેઉવા પટેલની વાડી સામે સ્વીફટ કારમાંથી રૂ. 24.98 લાખની કિંમતની જૂની ચલણી નોટ સાથે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. જૂની બંધ થઈ ગયેલી ચલણી નોટોને મુંબઈ ખાતે વટાવાનો તેમણે કારસો રચ્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. પોલીસે ત્રણેયની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. ભારતીય ચલણની રૂ. 500 અને 1000ના દરની નોટો બંધ કરી સરકારે રૂ. 2000 તથા રૂ. 500ના દરની નવી નોટ ચલણમાં મુકી હતી. નવસારીમાંથી ત્રણ જણાંને રૂ. 24.98 લાખની રૂ. 500 અને 1000ના દરની જૂની ચલણી નોટ સાથે નવસારીની એસઓજીની ટીમે તીઘરા જકાતનાકા પાસેથી ઝડપી પાડ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે તીઘરા લેઉવા પટેલ વાડીની સામે આવેલા દેવ રેસિડેન્સી પાસે એક કાળા કલરની મારૂતિ સ્વીફટ કાર (નં. જીજે-15-પીપી-507) આવનાર છે. જેમાં ત્રણ જણાં બેઠા છે તેમની પાસેથી રૂ. 1000 અને 500ના દરની જૂની ચલણી નોટ છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમીવાળી કાર આવી પહોંચતા તેને રોકી તપાસ કરતા તેમાં ત્રણ જણાં બેઠેલા મળી આવ્યા હતા. જે પૈકી ભાવેશ સુરજભાઈ ગોસ્વામી (રહે. છાપરા રોડ, ટેકનિકલ સ્કૂલની બાજુમાં, સત્સંગ એપાર્ટમેન્ટ, મૂળ રહે. રાજકોટ), કમલકુમાર ગોવિંદભાઈ ઢીમ્મર (રહે. તીઘરાવાડીની સામે) તેમજ ઈશ્વરભાઈ શિવાભાઈ પટેલ (રહે. છાપરા રોડ, હરિદર્શન સોસાયટી, મૂળ રહે. ધાવટ ગામ, તા. કરજણ, જિ. વડોદરા) કારમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
 
પોલીસે કારમાં તપાસ કરતા રૂ. 1000ના દરની જૂની ચલણી નોટો નંગ 925 કુલ રૂ. 9.25 લાખ અને રૂ. 500ના દરની જૂની ચલણી નોટ નંગ 3146 કુલ રૂ. 15.73 લાખ મળી કુલ રૂ. 24.98 લાખ મળી આવ્યા હતા. પીએસઆઈ એ.યુ.રોઝ તથા તેમની ટીમે ત્રણેયની રૂ. 24.98 લાખની કિંમતની ચલણી નોટ સાથે અટક કરી હતી. આ ઉપરાંત પોલીસે રૂ. 3 લાખની કાર તથા રૂ. 1500ની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. 27,99,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેયની પૂછતાછ કરતા આ જૂની ચલણી નોટ બાબતે યોગ્ય ખુલાસો કર્યો ન હતો. આથી પોલીસે ત્રણેયની અટક કરી જૂની ચલણી નોટો તથા કાગળો નવસારી ઈન્કમટેક્સ વિભાગને સુપરત કરવાની મોડી સાંજે તજવીજ હાથ ધરી છે. આ ચલણી નોટો મુંબઈ તરફ લઈ જવાઈ રહી હતી. મુંબઈમાં કમિશન પર આ જૂની ચલણી નોટો વટાવવા જતા આ ત્રણેય ભેરવાયા હોવાનું ચર્ચાય રહ્યું છે. જોકે આ ત્રણેય જણાં આ જૂની ચલણી નોટો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા તથા તેઓ આ નોટ ક્યાં વટાવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.